અમદાવાદ : અમદાવાદીઓ ચેતી જજો, હવે દિવાળીના તહેવાર પૂરા થતા અમદાવાદ ટ્રાફિક પોલીસે દંડ વસુલવાનું શરૂ કર્યું છે. કોઇ પણ પ્રકારના નિયમોનો ભંગ કરશો તો સ્થળ પર તો મેમો આપવામાં આવશે જ સાથે સાથે ઇ મેમો પણ હવે આવી જશે. તાજેતરમાં દિવાળીના તહેવારને લઇને ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ટ્રાફિક પોલીસ દંડ નહિ વસુલે તેવી જાહેરાત કરી હતી. જેને લઇને તા. 21થી 27 સુધી પોલીસે લોકોને સ્થળ પર મેમો કે ઇ મેમો આપ્યા નહોતા અને દંડ પણ વસુલ્યો નહોતો. સાથે જ પોલીસે ગુલાબના ફુલ આપી લોકોને દિવાળીની શુભેચ્છા આપવાની સાથે નિયમો પાળે તેવી આશા રાખી હતી.
પરંતુ હવે તહેવાર પૂર્ણ થતા જ લોકોએ ફરી એક વાર નિયમોનું પાલન કરવું ફરજિયાત રહેશે. કારણ કે 28મી થી જ ટ્રાફિક પોલીસે દંડ વસુલવાનું શરૂ કરી દીધું છે. પ્રાપ્ત રિપોર્ટ મુજબ તહેવાર દરમિયાન ભલે ટ્રાફિક પોલીસે સામાન્ય દંડ પણ વસુલ્યો ન હતો પણ રેસિંગ કરનાર, વધુ સ્પીડમાં વાહન ચલાવનાર, રોંગ સાઇડમાં વાહન ચલાવનાર અને લોકોની જીંદગી જોખમાય તે રીતે વાહન ચલાવનાર સામે દંડાત્મક કાર્યવાહી ન કરી તેઓની સામે ગુના નોંધ્યા હતા.જેમાં એક જ અઠવાડિયામાં ટ્રાફિક પોલીસે 34 ગુના નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે.