અમદાવાદ : ઇ-મેમોથી બચવા માટે ઘણા વાહન ચાલકો નંબર પ્લેટમાં ચેડાં કરતા હોય છે..જેથી ઇ-મેમોના દંડથી બચી શકાય. પણ હવે ટ્રાફિક પોલીસે આવા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. જેમાં પ્રથમ વખત નંબર પ્લેટમાં ચેડાં કરનાર વાહનચાલક વિરુદ્ધ આઈપીસીની કલમ હેઠળ ગુનો પણ નોંધવામાં આવ્યો છે. તો હવેથી અમદાવાદીઓએ સાવધાન થઈ જવાની જરૂર છે.
ટ્રાફિક સિગ્નલ પર સીસીટીવીથી આવતા ઈ-મેમો થી બચવા માટે વાહનની નંબર પ્લેટ પર લોકો છેડછાડ કરતા હોય છે. કેટલાક વાહનચાલકો દંડથી બચવા નંબર પ્લેટને વાળી દે છે તો કેટલાક થોડા ઘણાં અંશે તોડી નાખે છે તો કેટલાક તેના પર કલર કરી નાખે છે કેટલાક લોકો તેના પર ધૂળ કે માટી ચોંટાડી દે છે. કેટલાંક બહેનો ડબલ સવારીમાં પાછળ બેસીને તેમનો દુપટ્ટો કે સાડીનો છેડાથી નંબર પ્લેટને ઢાંકી દે છે જેના કારણે કેમેરામાં વાહનનો નંબર ન દેખાય અને વાહનના નિયમ ભંગ બદલ દંડથી બચી શકાય.
આ પ્રકારની હરકત કરતા વાહન ચાલકો વિરુદ્ધ હવે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જેમાં ટ્રાફિક વિભાગ દ્વારા એક અઠવાડિયા માટેની ખાસ ટ્રાફિક ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે.ટ્રાફિક ડ્રાઇવ દરમિયાન શાહીબાગ શનિદેવ મંદિર પાસે એક બાઈક ચાલકને રોકી તપાસ કરતા આગળની નંબર પ્લેટ પર છાણ લગાવવામાં આવ્યું હતું. જ્યારે પાછળની નંબર પ્લેટ વાળેલી હતી. જેથી બાઇક સવાર અમૃત રબારીની બાઇક જપ્ત કરીને તેના વિરુદ્ધ આઈપીસી 420 અને એમ.વી એકટની કલમ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી છે.