અમદાવાદ : ગુજરાતમાં એક તરફ ચૂંટણીનું રણશિંગુ ફૂંકાઈ ગયું છે ત્યાં બીજી બાજુ સત્તા પક્ષ ભાજપ સહિત તમામ રાજકીય પક્ષો ચૂંટણી જીતવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. આ સ્થિતિ વચ્ચે આજે કોંગ્રેસમાં દિલ્હીમાં ઉમેદવારોને લઈને ભારે મંથન બાદ આજે 43 મૂરતિયાની પ્રથમ યાદી જાહેર કરી છે જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની બેઠક ઘાટલોડીયા સામે કોંગ્રેસ મહિલા ઉમેદવાર ડો.અમીબહેન યાજ્ઞિકને ટિકિટ આપવામાં આવી છે.
ઘાટલોડીયા બેઠક પાર કોંગ્રેસમાંથી જાહેર થનાર મહિલા ઉમેદવાર અમીબેન યાજ્ઞિક હાઇકોર્ટમાં વકીલાત કરે છે. તેઓ રાજ્યસભાના કોંગ્રેસના સાંસદ છે. શિક્ષિત અને અભ્યાસુ હોવાની સાથે તેણી કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પણ છે. તેઓ પ્રાદેશિક કક્ષાએ પણ કોંગ્રેસમાં વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લીધો છે. સ્થાનિક પ્રશ્નોમાં પણ તેઓ સક્રિય રહે છે.
આ અગાઉ વર્ષ 2017ની ચૂંટણીમાં કોંગ્રેસ શશીકાંત પટેલને ટિકિટ આપવામાં આવી હતી જ્યારે ભાજપ ભૂપેન્દ્ર પટેલને ટિકિટ આપી હતી જેમાં ભાજપના ઉમેદવાર ભૂપેન્દ્ર પટેલને 1 લાખથી વધુ મતની લીડ મળી હતી અને તેઓ જીતી ગયા હતા.