અમદાવાદ : અમદાવાદના શાહપુર મેટ્રો સ્ટેશન પાસે લૂંટની મોટી ઘટના બની હતી. જેથી અમદાવાદ પોલીસ દોડતી થઈ હતી. અમદાવાદના શાહપુરમાં કરોડો રૂપિયાના સોનાના દાગીનાની લૂંટ થઈ હતી. સેક્ટર 1 નીરજ બડગુજર સહિત ક્રાઈમબ્રાંચની ટીમ દોડી આવી હતી. હાલ પોલીસે મેટ્રો સ્ટેશન સહિત આજુબાજુના વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચેક કરવાની કવાયત શરૂ કરી છે પરંતુ રાત્રે 10 વાગ્યા સુધી પોલીસને કોઈ કડી નહીં મળી હોવાનું જાણી શકાયું છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના શાહપુર મેટ્રો સ્ટેશન પાસે બની લૂંટની ઘટના બની હતી. અંદાજે 3.5 કરોડની કિંમતના 6 કિલો સોનાના દાગીનાની લૂંટ થઈ હતી. એસ એસ તીર્થ ગોલ્ડના બે કર્મચારીઓ એક્ટિવા પર સવાર થઈને નીકળ્યા હતા. પરાગ અને ધર્મેશ નામના બે કર્મચારીઓને બાઈક સવાર 2 લૂંટારુઓએ શિકાર બનાવ્યા હતા. કર્મચારીઓ બપોરે સીજી રોડ રોડથી નીકળી નરોડા, નિકોલ અને બાપુનગર થઇને શાહપુર તરફ આવ્યા હતા. એક્ટિવાની આગળ મુકેલી 2 પૈકી 1 બેગ લૂંટીને લૂંટારુઓ ફરાર થયા હતા.
સમગ્ર ઘટનાની માહિતી મેળવીને લૂંટારોને ઝડપી લેવા માટે પ્રયાસ શરૂ કરવામાં આવ્યા હતા. મોડી રાત્રે સમગ્ર શહેરમાં નાકાબંધી કરવામાં આવી હતી અને શંકાસ્પદ લોકોને ચેક કરવાની કવાયત શરૂ કરવામાં આવી હતી. નીરજ બડગુજરના જણાવ્યા મુજબ ફરિયાદીના જણાવ્યા મુજબ થેલામાં લગભગ સાડા સાત કિલો સોનાના દાગીના હતા.