અમદાવાદ : અમદાવાદમાં પૂરજોશમાં ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે. અમદાવાદમાં નારણપુરા બેઠક પર ભાજપે આ વખતે શહેર સંગઠનના મહામંત્રી જીતુભાઇ પટેલને ટિકિટ આપી છે. આજે જીતુભાઇ પટેલે ઉમેદવારી પત્ર ભરવા જતા પહેલા કામેશ્વર મહાદેવ દર્શન કરી આશિર્વાદ લીધા હતા.આ પ્રસંગે પૂર્વ ડે.મુખ્યમંત્રી નિતીન પટેલ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને સમર્થકોની હાજરીમાં બાઈક રેલી પણ યોજી હતી. એટલુ જ નહીં ઐતિહાસિક બેઠકો સાથે ભાજપ સરકાર બનાવશે તેવો દાવો પણ કર્યો હતો.
આ પ્રસંગે ભાજપના ઉમેદવારે જણાવ્યું હતું કે પાર્ટીએ જે જવાબદારી આપી છે, પ્રજાની સેવા કરીશ અને પ્રજા અને સરકાર વચ્ચે સેતુ બનીને કોઈ પણ પ્રશ્ન હશે તો નિવારણ કરવાનો પ્રયત્ન કરીશ નારણપુરા બેઠક પર 1995 થી 2017 સુધીમાં એક વખત પેટાચૂંટણીને બાદ કરતા અહીં ભાજપનું એકચક્રી શાસન રહ્યુ છે. છેલ્લા 27 વર્ષથી અહીં ભાજપનો દબદબો છે. આ બેઠકના મતદારોનો ઝુકાવ પહેલેથી ભાજપ તરફી રહ્યો છે. 1995 અને 1998માં સતત બે ટર્મ સુધી ભાજપ તરફથી યતીન ઓઝા ચૂંટાયા હતા.
2012માં તત્કાલિન ગૃહમંત્રી અને હાલના દેશના ગૃહમંત્રી અમિતભાઇ શાહ નારણપુરા બેઠક પરથી લડ્યા હતા અને જંગી લીડ સાથે જીત્યા હતા. ત્યારબાદ 2017માં પણ કૌશિકભાઈ પટેલ જંગી બહુમતી સાથે અહીંથી ચૂંટાયા હતા. આ વખતે ભાજપે જીતુભાઇ ભગતને નારણપુરાથી મેદાને ઉતાર્યા છે.