અમદાવાદ : રાજ્ય સરકારે મતદાન માટે 1 અને 5 ડિસેમ્બરે જાહેર રજા હોવાનું જાહેર કર્યુ છે, જેમાં 1 ડિસેમ્બરે પ્રથમ તબક્કાના મતદાન માટે 19 જિલ્લામાં રજા જાહેર, 5 ડિસેમ્બરે બીજા તબક્કાના મતદાન માટે 14 જિલ્લામાં રજા જાહેર કરી છે. જેમાં વધુ મતદાન થાય તે માટે સરકારે નિર્ણય લીધો છે. બીજી તરફ રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ કહ્યું હતું કે, રાજ્યમાં ચૂંટણી પંચ દ્વ્રારા બે તબક્કાના મતદાન માટે પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે.
રાજ્યમાં આગામી તા. 1 અને તા. 5 ડિસેમ્બરના રોજ યોજાનારા મતદાન અંગેની માહિતી આપતા ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી પી.ભારતીએ જણાવ્યું હતું કે, રાજ્યની 182 બેઠકો પર યોજાનારા મતદાન માટે મતદાન મથકો, મતદાર યાદી, ઈવીએમ-વીવીપેટ સહિતની અન્ય આનુસાંગિક સુવિધાઓને સુનિશ્ચિત કરવામાં આવી છે. મતદાર યાદી સુધારણા અભિયાન બાદ રાજ્યમાં બંને તબક્કામાં કુલ 4,91,35,400 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાં 18 થી 29 વર્ષની વયજૂથના 1,15,10,015 યુવા મતદારોનો સમાવેશ થાય છે.