અમદાવાદ : ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં તમામ પાર્ટીઓએ પ્રચાર અભિયાન તેજ કર્યુ છે. તમામ પાર્ટીઓ જનતાને આકર્ષવા માટે અવનવા ઉપાયો અપનાવી રહ્યા છે. તમામ પાર્ટીઓ જનતાને આકર્ષવા માટે લોભામણી જાહેરાતો, અનેક વાયદાઓ અને વચનોની ભરમાર લઈને ચૂંટણીના રણમાં ઝંપલાવી રહી છે. ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય પ્રચારમાં તમામ તાકાત લગાવી રહી છે. ખેડા જિલ્લાના નડિયાદ બેઠકના ઉમેદવારે રોબોટ દ્વારા પ્રચાર શરુ કર્યા પછી જમાલપુર-ખાડિયા બેઠક પરના ભાજપના ઉમેદવારે સેલ્ફી વીથ મોદીનો કોન્સેપ્ટ લાવ્યા છે.
પ્રચાર દરમ્યાન ક્યાંક ભાજપના સ્માર્ટ રથ ફરી રહ્યા છે તો ક્યાંક નુક્કડ નાટકો ચાલી રહ્યા છે. તેવામાં જમાલપુર-ખાડિયા બેઠકના ઉમેદવાર ભૂણષ ભટ્ટે મતદારોને આકર્ષવા માટે ‘સેલ્ફી વીથ મોદી’નો કોન્સેપ્ટ લાવ્યા છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક પ્રતિમાને બાંકડા પર મુકવામાં આવી છે અને તેની બાજુમાં સજેશન બોક્સ મુકવામાં આવ્યું છે. આ નવતર પ્રયોગ પાછળનો ઉદ્દેશ્ય એ છે કે મતદારો આવે, પીએમ મોદીના સ્ટેચ્યૂ સાથે સેલ્ફી લે અને સજેશન બોક્સમાં સંકલ્પ પત્ર મુકે. આગામી પાંચ વર્ષમાં મતદારો કેવું ગુજરાત ઈચ્છે છે અને તેમનો સંકલ્પ શું છે તે સરકાર સુધી પહોંચે તેવા ખાસ ઉદ્દેશ્ય સાથે આ નવતર અભિગમ શરૂ કરવામાં આવ્યો છે.