અમદાવાદ : મોરબી ઝુલતો પુલ તૂટવાની દુર્ઘટનાને લઈને આજે હાઇકોર્ટેમાં જાહેર હિતની અરજી પર સુનાવણી થઇ છે. મોરબી પુલ દુર્ઘટનામાં સરકારે જાહેર કરેલી સહાય રકમથી ગુજરાત હાઈકોર્ટ નારાજ થઈ છે અને મૃતકોના પરિજનો તથા ઈજાગ્રસ્તોને અપાયેલું વળતર ખૂબ ઓછું હોવાની ટકોર કરી હતી. સાથે જ હાઈકોર્ટે ગુજરાતમાં તમામ બ્રિજનો સર્વે કરવાનો અને તેમની સ્થિતિ વિશેનો રિપોર્ટ 10 દિવસમાં જમા કરાવવાનો આદેશ કર્યો છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ હાઈકોર્ટે કહ્યું કે, રાજ્યમાં જે પણ અધિકારીઓ આ પ્રકારના બ્રિજનું મોનિટરિંગ, મેનેજિંગ કે કન્ટ્રોલિંગ કરે છે તેઓ સુનિશ્ચિત કરે તે તેમના વિસ્તારના બ્રિજ યોગ્ય સ્થિતિમાં હોય. બ્રિજ કાર્યક્ષમ સ્થિતિમાં હોય તેની ખાતરી કરો અને કોઈપણ દુર્ઘટનાને અટકાવવા માટે જરૂરી પગલા લો. હાઈકોર્ટે આ સાથે જ સરકાર પાસેથી ગુજરાતમાં રહેલા બ્રિજનો આંકડો, તેમની સ્થિતિનું એન્જિનિયર પાસેથી ઈન્સ્પેક્શન કરાવી સર્ટિફિકેટ 10 દિવસની અંદર જમા કરવાનો આદેશ કર્યો છે.
હાઈકોર્ટે નોંધ્યું છે કે, 30 થી 40 વર્ષના ઘણા લોકોએ જીવ ગુમાવ્યા. જે ઘરના એક માત્ર કમાનાર હોઈ શકે. મૃતકોને 4 લાખનું વળતર પૂરતું નથી. અમને સંતોષ નથી. કોર્ટે પ્રાથમિક રીતે કહ્યું, સરકારે ઓછામાં ઓછું 10 લાખ વળતર ચૂકવવું જોઈએ. કોર્ટે પૂછ્યું, મૃતકોની જ્ઞાતિ જાતિ લખવાની શું જરૂર છે? તમામ મૃતકો સમાન રીતે જ ગણાય.