અમદાવાદ : વિધાનસભા ચૂંટણીની તારીખ જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ પ્રચારજંગમાં ગરમાવો આવતો જોવા મળી રહ્યો છે ત્યારે ચૂંટણીના પ્રચારજંગને વધુ વેગવાન બનાવવા માટે ભાજપના સ્ટાર પ્રચારક અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સોમવારે અમદાવાદના નવા વાડજ ખાતે જાહેરસભા સંબોધવા આવી રહ્યા છે. ભાજપના આ કદાવર નેતાની જાહેરસભાને લઈ તૈયારીઓના ધમધમાટને વેગીલો બનાવી દેવાયો છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ સોમવાર તા. 28ના સાંજે 8-00 કલાકે નવા વાડજમાં વ્યાસવાડી ચાર રસ્તા ખાતે રાતે 8-00 કલાકે જંગી જાહેરસભાને સંબોધશે. ભાજપના ઉમેદવારોની પસંદગી સહિતની બાબતમાં જેમનું મહત્ત્વપૂર્ણ યોગદાન રહ્યું છે એવા શ્રી અમિત શાહ અમદાવાદના નવા વાડજમાં જાહેરસભા સંબોધવા આવતા હોવાથી સ્થાનિક ભાજપ સંગઠનમાં ભારે ઉલ્લાસ જોવા મળી રહ્યો છે. જેમના સમર્થનમાં આ જાહેરસભાનું આયોજન થઈ રહ્યું છે એવા નારણપુરા બેઠકના ભાજપના ઉમેદવાર જીતેન્દ્ર પટેલે (જીતુ ભગત) અને સ્થાનિક અગ્રણી ગૌતમ શાહે સભા સ્થળની મુલાકાત લઈ જરૂરી વ્યવસ્થાઓ નિહાળી હતી.
કેન્દ્રીય ગૃહમંત્રી નવા વાડજમાં સભા સંબોધવા આવતા હોવાથી સભા સ્થળ સહિતના અન્ય મહત્ત્વના પોઈન્ટ પર પોલીસ પ્રશાસને પણ સુરક્ષા બંદોબસ્ત જાળવવા માટેની તૈયારીઓની સમીક્ષા કરી હતી.