અમદાવાદ : અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દ્વારા વિધાનસભાની ચૂંટણીમાં મતદાન જાગૃતિ માટે આજે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર Run For Vote નું આયોજન કરવામાં આવ્યું હતું. સાબરમતી રિવરફ્રન્ટ પર વલ્લભસદનથી ઇન્કમટેક્સ સુધી આ Run For Vote નું આયોજન કરવામાં આવ્યું હતું. લોકો મતદાન કરે અને જાગૃત થાય તેના માટે યોજાયેલી આ દોડમાં 15,000 જેટલા લોકોએ ભાગ લીધો હતો.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતદાન જાગૃતિ અભિયાનના ભાગરૂપે આજે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે અમદાવાદ શહેર અને જિલ્લાના અંદાજે 15000 જેટલા શિક્ષકો દ્વારા Run For Vote માટે મેગા મેરેથોન દોડ કરવામાં આવી હતી. માત્ર અમદાવાદ જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાતમાં મતદાન જાગૃતિ આવે તેના માટે શિક્ષકોએ આ પ્રયાસ કર્યો હતો અને મોટી સંખ્યામાં તેઓ હાજર રહ્યા હતા.