અમદાવાદ : ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં મતદાનને હવે બે દિવસ બાકી રહી ગયા છે, ત્યારે ભાજપને મોટો ફટકો પડ્યો છે. ગુજરાતના પૂર્વ મંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા જયનારાયણ વ્યાસ કૉંગ્રેસમાં જોડાયા છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખાડગેની હાજરીમાં તેમણે કોંગ્રેસનો ખેસ પહેર્યો હતો. આ અગાઉ ભાજપમાંથી જયનારાયણ વ્યાસે રાજીનામું આપ્યુ હતુ.
વર્ષો સુધી ભાજપમાં જોડાયેલા રહેલા અને પૂર્વ મંત્રી જયનારાયણ વ્યાસે આખરે કમળનો સાથ છોડીને કોંગ્રેસના પંજા સાથે હાથ મિલાવ્યો છે. પોતાના કાર્યકરો સાથે જયનારાયણ વ્યાસ પ્રદેશ કોંગ્રેસના કાર્યાલય પહોંચ્યા હતા. બીજી તરફ ભાજપે પણ લોકશાહી છે લોકોને પસંદ પડે તેવો નિર્ણય કરી શકે છે તેવો જવાબ જયનારાયણની એક્ઝિટ પર આપ્યો છે. કોંગ્રેસમાં જયનારાયણ વ્યાસ આજે સત્તાવાર રીતે જોડાઈ ગયા છે પરંતુ આ પહેલા તેમણે ભાજપની નીતિ સામે સવાલ ઉઠાવ્યા હતા.
એટલુ જ નહિ, ગઈકાલે સિદ્ધપુરમાં કૉંગ્રેસના ઉમેદવારને સમર્થનની જાહેરાત કરી હતી. ત્યારે જયનારાયણ વ્યાસના કોંગ્રેસમાં જવાથી ભાજપને મોટો ફટકો પડી શકે છે. સિદ્ધપુર બેઠક પરથી તેમની ટિકિટ કપાતા તેઓએ નારાજગી વ્યક્ત કરી હતી. નારાજ નેતા કોંગ્રેસમાં જશે તેવું લાંબા સમયથી ચર્ચાઈ રહ્યુ હતું.