અમદાવાદ : તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે સાબરમતી નદીના પશ્ચિમ કાંઠાને પૂર્વ કાંઠા સાથે જોડનારો આઇકોનિક ફૂટઓવરબ્રિજ એટલે અટલબ્રિજનું ઉદ્ઘાટન કરાયું હતું.એક પ્રકારે અટલબ્રિજ મ્યુનિ.નો કમાઉ દીકરો પુરવાર થયો છે, કેમ કે રૂ. 74 કરોડના ખર્ચે બનેલ અટલબ્રિજની એન્ટ્રી ફીથી મ્યુનિ. તિજોરીમાં રૂ. 3.10 કરોડથી વધુ નાણાં ઠલવાઈ ચૂક્યાં છે.
અમદાવાદીઓમાં અટલબ્રિજ પ્રત્યેનું આકર્ષણ વધ્યું છે. ત્યારે તંત્ર દ્વારા અટલબ્રિજ અને ફ્લાવરપાર્ક એમ બંને જગ્યાની મુલાકાત લેવા માગતા હોય તેવા પુખ્ત વયના લોકો માટે રૂ. 40 અને બાળકો તેમજ 60થી વધુ વયના વૃદ્ધો માટે રૂ. 20ની કોમ્બો ટિકિટ રખાઈ હોવાથી પણ દિવ્યાંગોને તો મફતમાં પ્રવેશ અપાઈ રહ્યો હોઈ અનેક દિવ્યાંગો અટલબ્રિજની સહેલ માણવા આવી રહ્યા છે.
31 ઓગસ્ટથી 27 નવેમ્બર, 2022 સુધીમાં તંત્રના સત્તાવાર રિપોર્ટ મુજબ કુલ 10,38,329 મુલાકાતીઓ અટલબ્રિજની મોજ માણી ચૂક્યા છે. આટલી જબ્બર સંખ્યામાં મુલાકાતીઓ નોંધાતાં મ્યુનિ. તિજોરીને પણ રૂ. 3,10,97,685ની મબલક આવક થઈ છે. આવકના આ આંકડા સ્પષ્ટપણે દર્શાવે છે કે અટલબ્રિજ મ્યુનિ. કોર્પોરેશનનો કમાઉ દીકરો બન્યો છે.