અમદાવાદ : શહેરના નારણપુરામાં વિસ્તારમાં પરિવાર સૂતો હતો છતાં કેટલાક તસ્કરોએ હાથફેરો કરી બારીના સળિયા વાળી ઘરમાં ઘૂસી તિજોરીમાં મૂકેલાં 15.36 લાખના સોનાના દાગીના તથા 100 ડોલરની 10 નોટોની ચોરી કરી ગયો હતો. આ મામલે ઘરના માલિકે નારણપુરા પોલીસ મથકએ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ચોરી અંગે અજાણ્યા તસ્કરો વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. નારણપુરાના રહેણાંક વિસ્તારમાં ઘરફોડની ઘટનાથી રહિશોમાં ફફડાટ ફેલાયો છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ નારણપુરાની રેખા પાર્ક સોસાયટીમાં રહેતા અને નવરંગપુરામાં મહાવીર કોલકેમ પ્રાઇવેટ લિમિટેડ નામથી ઓફિસ ધરાવી કેમિકલનો વેપાર કરતા મનીષભાઈ શાહ શનિવારે રાત્રીના સમયે ઘરમાં પરિવાર સાથે હાજર હતા. મનીષભાઈ પોતાના નિત્યક્રમ પ્રમાણે જમીને રૂમમાં સૂવા માટે ગયા હતા. વહેલી સવારના સમયે મનીષભાઈની પત્નીએ તેમને ઉઠાડીને જણાવ્યું હતું કે, રસોડાની બારી ખુલ્લી છે અને બારીની ગ્રિલના સળિયા વળી ગયેલી હાલતમાં છે. આથી મનીષભાઈએ ત્યાં જઈને તપાસ કરી તો સ્ટોર રૂમ ખુલ્લો હતો અને ઘરના ઉપરના માળે મૂકેલી તિજોરીનો સામાન વેરવિખેર હાલતમાં હતો.
એટલું જ નહીં તિજોરીમાં મૂકેલા 15.36 લાખના સોનાચાંદીના દાગીના, 100 ડોલરની 10 નોટો ન હતી. આથી કોઈ અજાણ્યો શખ્સ બારીના સળિયા વાળી ઘરમાં પ્રવેશ કરી ચોરી કરી ગયો હોવાની જાણ મનીષભાઈને થતા તેમણે આ મામલે નારણપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી આસપાસના તમામ સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ શરૂ કરી છે.નારણપુરામાં રહેણાંક વિસ્તારમાં તસ્કરોના તરખાટથી રહિશોમાં ફફડાટ ફેલાયો છે.