અમદાવાદ : સાબરમતીના ડી કેબિનના સમર્થ્ય સ્ટેટ્સના ધાબા પર આવેલ પાણીની ટાંકી પરથી પતંગ ચગાવતું બાળકનું નીચે પટકાતા મોત નિપજ્યું હોવાની ઘટના બની છે. બાળકને ગંભીર ઇજા પહોંચતા તેનું મોત નિપજ્યું હતું. ઘટનાને પગલે સાબરમતી પોલીસે અકસ્માતનો ગુનો નોંધ્યો છે. નોંધનીય છે કે, ઉત્તરાયણનો તહેવાર નજીક આવી રહ્યો છે, ત્યારે માતા-પિતાએ તેમના બાળકોનું ખાસ ધ્યાન રાખવું જોઇએ.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ સાબરમતી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ડી કેબિન વિસ્તારમાં પતંગ ચગાવતી વખતે એક 8 વર્ષનો બાળક પાંચમાં માળે રહેલ ટાંકી પરથી નીચે પાર્કિંગમાં પટકાયો હતો. જોકે પછી તેઓ સારવાર માટે હોસ્પિટલ પહોંચ્યા ત્યાં સારવાર દરમિયાન બાળકનું મોત થયું હતું. આ ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આકસ્મિક મોતનો ગુનો નોંધ્યો હતો.
હવે ઉતરાયણનો તહેવાર આવી રહ્યો છે ત્યારે ધાબા પર કે ઉંચાઈ ઉપર ખુલ્લી જગ્યામાં પતંગ ચગાવતા તેમજ રસ્તા પર વાહન ચલાવતી વખેત ખાસ ધ્યાન રાખવું પડે તેવી પરિસ્થિતિ આવી પહોંચી છે. ખાસ તો જો તમારા ઘરમાં નાનું બાળક હોય અને તે પતંગ ચગાવવા એકલું જ ધાબા ઉપર જતું હોય તો આી પરિસ્થિતિમાં તેની સાથે રહેવું જરૂરી છે.