અમદાવાદ : ગાંધીનગરમાં નવી ભુપેન્દ્ર પટેલ 2.0 સરકાર આ વખતે કડક નિયમો લાવી રહી છે, જેમાં ગાંધીનગર ખાતે આવેલ સ્વર્ણિમ સંકુલમાં મંત્રીઓને ફરજીયાત શુકવાર સુધી હાજર રહેવું પડશે. અત્યાર સુધી સોમવાર અને મંગળવારે લોકો મંત્રીઓને મળવા માટે આવતા હતા, હવે તેમાં ફેરફાર કરીને ધારાસભ્યો માટે મંગળવાર રાખવામાં આવ્યો છે, જેથી ચૂંટાયેલ ધારાસભ્ય મંત્રીઓને સરળતાથી રજુઆત કરી શકે.
આ ઉપરાંત પહેલા મુલાકાતીઓ પોતાનો મોબાઈલ ફોન સાથે લઈને મંત્રીની ઓફિસમાં મળવા માટે જઈ શકતા હતા. પરંતુ હવે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મુલાકાતીઓને મૌખિક સૂચના આપીને ફોન બહાર મૂકવા માટે કહેવામાં આવી રહ્યું છે. એવું માનવામાં આવી રહ્યું છે કે ઓફિસમાં મંત્રી સાથેની મુલાકાત દરમિયાન કોઈ વાતચીતનું રેકોર્ડિંગ ન કરી લે કે ફોટો કે વીડિયો ન પાડે તે માટે આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.