અમદાવાદ : અમદાવાદમાં કોરોનાના 2 વર્ષ બાદ કાંકરીયા ખાતે યોજાતા પાંચ દિવસીય કાંકરિયા કાર્નિવલનો મુખ્યમંત્રીના વરદહસ્તે શુભારંભ કરાયો હતો. CM ભુપેન્દ્ર પટેલે કાંકરિયા કાર્નિવલને જનતા સમક્ષ ખુલ્લો મૂક્યો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.
કાંકરિયા કાર્નિવલના શુભારંભ પ્રસંગે CM ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, જગન્નાથ રથયાત્રા અને વર્લ્ડ હેરિટેજ સિટીની જેમ કાંકરિયા કાર્નિવલ આજે વર્લ્ડ ફેમસ મહોત્સવ બન્યો છે. આ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમને અભિનંદન આપું છું. કાંકરિયા આજે લોકપ્રિય સ્થળ છે. બે વર્ષ બાદ કાંકરિયા કાર્નિવલ યોજાઈ રહ્યો છે કે જેમાં અનેક કાર્યક્રમો યોજાવાના છે.
કોરોના બાદ બે વર્ષે યોજાઇ રહેલા કાંકરિયા કાર્નિવલની આ વર્ષની થીમ આઝાદીનો અમૃત મહોત્સવ પર આધારિત છે.તારીખ 25થી 31મી ડિસેમ્બર સુધી કાંકરિયા કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 15 રાજ્યોના 150 કલાકારો પોતાની સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી લોકોનું મનોરંજન કરશે.