(માનવ જોશી દ્વારા) અમદાવાદ : સમાજના વિવિધ વર્ગોમાં પોતાની સેવા આપનાર દરેક કામદાર પોતપોતાની રીતે ફરજ બજાવી આર્થિક ઉપાર્જન કરતો હોય છે. આવો જ એક વગોવાઇ ગયેલો વર્ગ એટલે ટ્રાફિક પોલીસ. એમની વાત આવે એટલે મગજમાં એક જ ચિત્ર સમાજે ઊભું કર્યું છે, કે ’આ લોકો પૈસા ખાવા જ સર્જાયા છે’. આંખોમાં આદર રાખી ભીતર આપણે એમને ભાંડતા, તેમનાથી બચતાં નીકળી જવાની તકેદારી રાખીએ છીએ.
મિર્ચી ન્યુઝના પ્રતિનિધીને આવા જ એક TRB (ટ્રાફિક બ્રિગેડ) જવાનના ગ્રુપ સાથે વિગતે એમની કેફિયત જાણવાનો મોકો મળ્યો. ફોટો ન પાડવાની અને પોતાનું નામ ના લેવાય એ શરતે એમણે ખુલીને પોતાની વેદના રજૂ કરી હતી. ટ્રાફિક બ્રિગેડ જવાનોના કહેવા મુજબ એમનો માસિક પગાર રજાઓ કાપતાં, અને હાજર રહેલ દિવસોને આધારે 8100/- ની આસપાસ થાય છે અને આટલી મોંઘવારીમાં આટલા પગારમાં ઘર ચલાવવાનું કેવી રીતે શક્ય બને એ તો પરમાત્મા જ જાણે..પણ દાઝયા પર ડામ એ છે કે પગાર દોઢ દોઢ મહિના સુધી ખેંચાઈ જાય છે..પોતાનો હકનો પગાર પણ જો કોઈ વર્કરને ના મળે, એ કેવી રીતે પોતાનું જીવન ગુજરાન ચલાવે!! કેવી રીતે બાળકોની ફી ભરે અને ક્યાંથી ઘરના ઘરડાઓની દવા લાવે?? જવાનોના કહેવા મુજબ મેટ્રોના કામના લીધે એમના સ્વાસ્થ્ય પર ખૂબ માઠી અસર પડી છે અને એ ઓછું હોય તેમ વાહનોનું પ્રદૂષણ શરીરને અત્યંત હાની પહોંચાડે છે.છતાં આ અમારું કામ છે અને અમારે કરવાનું છે. પણ કામનું યોગ્ય વળતર તો હોય!!! અને એ પણ સમયની શિસ્ત જળવાઈને અમને મળે.
જ્યારે ઘરમાં ભૂખ્યા બાળકો હોય ત્યારે પગારના અભાવે અમારા અમુક જવાનો ભ્રષ્ટાચારને રવાડે ચઢી જાય તે સ્વાભાવિક છે. મોટા ભાગના નાગરિકો વાંકમાં હોય છતાં પણ અમારી સાથે અભદ્ર વર્તન કરે અને અમારા વિડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કરે છે અને તેનાથી અમારી ઈમેજ આખા સમાજમાં બગડે છે. કોઈને અમારી સમસ્યા સાંભળવામાં રસ નથી. અમે જાહેરમાં કંઈ બોલીએ તો અમારી નોકરી જતી રહે છે. રોજે રોજના ફંડ ભેગા કરવા માટે અમને ટાર્ગેટ આપવામાં આવે છે. આદેશ થાય ઉપરથી અને તેનું દુષ્પરિણામ અમારે માથે હોય છે. કોઈ ભૂલથી સાહેબ કહી દે તો એમ થાય કે ચાલો આટલો આદર થાય તો પણ આ કાર્ય ઉત્તમ છે. અમારી બસ એક જ રજૂઆત છે કે અમને યોગ્ય વળતર મળે અને તે પણ સમયસર મળે. આટલું કહેતા જવાનની આંખ ભીની જણાતા અમારા પ્રતિનિધી તેમના માટે ચા મંગાવે છે અને બધા જવાનો ચા ની ગરમ ચૂસકી લેતા લેતા પોતાના ઠંડા ભવિષ્યનો આત્મસાક્ષાતકાર કરે છે.