અમદાવાદ : અમદાવાદમાં ચાણક્યપુરીમાં વિસ્તારમાં બે દિવસ અગાઉ ડમરું સર્કલ પાસે હત્યા કરી લાશ રેલવે ટ્રેક પાસેથી મળી આવેલ યુવકના મૃતદેહ મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. યુવકની હત્યા થઈ હોવાનું સામે આવતા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. જેમની પૂછપરછમાં સામે આવ્યું છે કે પ્રેમ સંબંધમાં યુવકને માર મારવા માટે સોપારી આપવામાં આવી હતી.
શહેરના સોલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રેલ્વે ટ્રેક પરથી લોહીથી લથપથ હાલતમાં યુવકનો મૃતદેહ મળી આવતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી. જો કે તપાસ દરમિયાન જ્યાં મૃતદેહ મળી આવ્યો હતો.એવામાં પોલીસને એક સીસીટીવી ફુટેજ પણ હાથ લાગ્યા હતા. જેમાં ત્રણ યુવાનો મૃતક રાજેન્દ્ર નવલને ચાણક્યપુરીના સેક્ટર 3માં ફેશન કીંગ નામની દુકાન પાસે માર મારી રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પોલીસએ આ ત્રણેય યુવાનોની પૂછપરછ કરતાં સમગ્ર મામલો બહાર આવ્યો હતો.
પોલીસે વિજય ભરવાડ, અનમોલ યાદવ, અને પ્રવીણ પુરબીયા નામના આરોપીની ધરપકડ કરી છે. જેની પૂછપરછમાં સામે આવ્યું છે કે પ્રેમ સંબંધમાં આ ત્રણેય આરોપીઓને મૃતક રાજેન્દ્ર નવલને માર મારવાની 50 હજારની સોપારી આપવામાં આવી હતી. જેથી તેઓએ રાજેન્દ્રને ચાણક્યપુરી ખાતે માર માર્યો હતો. બાદમાં તેને સાયન્સ સિટીથી હેબતપુર તરફ જતાં બ્રીજ પાસે લઈ ગયા હતા. જ્યાં તેને માર મારતા માથાના ભાગે ગંભીર ઈજા પહોચતાં આરોપીઓએ મૃતદેહ રેલ્વે ટ્રેક પણ ફેંકીને ફરાર થઈ ગયા હતા. જો કે સીસીટીવી ફુટેજએ સમગ્ર ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે.