અમદાવાદ : અમદાવાદ પોલીસ કમિશનર પોલીસનો લોકો સાથે વ્યવહાર જાણવા માટે પોલીસ સ્ટેશનમાં જઈને ‘ચાય પે ચર્ચા’ કરશે. પોલીસ કમિશનર દ્વારા આમ તો સપ્તાહમાં બે દિવસ ચેમ્બરમાં ટી મીટીંગ યોજવામાં આવે છે. જેમાં શહેરના ડીસીપી અને તેનાથી ઉપરના તમામ અધિકારીઓ હાજર રહે છે. પરંતુ હવે પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે હવે ટી મીટીંગ પોલીસ કમિશ્નરની તેઓની ચેમ્બરમાં નહીં પરંતુ શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં રાખવાનું શરુ કર્યુ છે. પોલીસનો લોકો સાથે વ્યવહાર જાણવા ખુદ કમિશનર દરેક પોલીસ સ્ટેશનમાં જઈને ‘ચાય પે ચર્ચા’ કરશે.
મીડિયા રિપોર્ટ મુજબ અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે જણાવ્યું હતુ કે, પોલીસની કામ કરવાની પધ્ધતિ, પોલીસનો લોકો સાથેનો વ્યવહાર, પોલીસ અને લોકોની સમસ્યા, પોલીસ સ્ટેશનના રેકોર્ડ, વાહનો, હથિયારો, પોલીસ સ્ટેશનોમાં બનાતા ગુનાઓ અને તે શોધવા માટે પોલીસ જે રીતે કામ કરે છે, તે તમામ બાબતો જાણવા માટે આ પહેલ શરૂ કરવામાં આવી છે. પહેલી મિટિંગ નરોડા પોલીસ સ્ટેશનમાં અને હવે બીજી મિટિંગ મંગળવારે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં યોજાશે.