અમદાવાદ : અમદાવાદ શહેરમાં ગરીબ અને લોકોની આર્થિક મજબુરીનો ફાયદો ઉઠાવી ઉંચાદરે વ્યાજ વટાવનો ધંધો કરતા વ્યાજખોરો સામે અમદાવાદ પોલીસે કડક કાર્યવાહી શરુ કરી છે.તો બીજી તરફ લોકોમાં જાગૃતિ આવે તે માટે અમદાવાદ પોલીસ દ્વારા લોકદરબારનું આયોજન કરાઈ રહ્યું છે.જેના અંતર્ગત બુધવારે સાંજે ઘાટલોડીયા પારસનગર ખાતે ઘાટલોડીયા પોલીસે લોકદરબાર યોજ્યો હતો.
અમદાવાદના ઘાટલોડીયા પોલીસ સ્ટેશન હેઠળ આવતા પારસનગર શાકમાર્કેટ ખાતે ઝોન-1 લવીના સિન્હા (IPS) ની અધ્યક્ષતામાં વ્યાજખોરો વિરૂદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા અને ગેરકાયદેસર રીતે ઉંચા વ્યાજે નાણાંનું ધીરાણ કરવાની પ્રવુતિ અટકાવવા લોકોમાં જાગૃતિ આવે તે માટે લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોકદરબારમાં ઘાટલોડીયા પોલીસ સ્ટેશનના પીઆઈ આર જે ચૌધરી તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા. આ લોકદરબારમાં શાકભાજી, પાથરણાવાળા સહીત વિવિધ વ્યવસાય સાથે સંકળાયેલા નાના મોટા વેપારીઓ અને સ્થાનિક આગેવાનો સાથે સંવાદ કરવામાં આવ્યો હતો. વ્યાજખોરો જો હેરાન કરતા હોય અથવા ઉચું વ્યાજ વસુલતા હોય તેની માહિતી પોલીસને આપવા અપીલ કરાઈ હતી અને આવા વ્યાજખોરો વિરુદ્ધ કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.
ગુજરાત નાણાં ધીરનાર અધિનિયમ-2011 રજીસ્ટ્રેશન | નોંધણી કરાવ્યા વિનાનાં વ્યક્તિઓ
1) નાણાં ધીરનારનો અને વ્યાજવટાવનો ધંધો કરી શકશે નહિં…
2) નાણાં ધીરનાર વ્યક્તિઓ સરકારે નિયત કરેલ વ્યાજદરથી વધુ વ્યાજદર વસૂલી શકશે નહિ. જો કોઈ આવું કૃત્ય કરશે ગંભીર સજાને પાત્ર થશે…
3) ઘાટલોડીયા પોલીસ સ્ટેશન વિસ્તારના નાગરિકોને જણાવવામાં આવે છે કે, આપના વિસ્તારમાં આવી ગેરકાયદેસરની નાણાં ધિરનારની પ્રવૃત્તિ ચાલતી હોય તો ઘાટલોડીયા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો…