અમદાવાદ : અમદાવાદીઓ માટે વધુ એક આનંદના સમાચાર સામે આવ્યા છે.ગુજરાત મેટ્રો રેલ દ્વારા આગામી 30 જાન્યુઆરીથી સમય મર્યાદા વધારવાનો નિર્ણય લેવામા આવ્યો છે. જેથી સવારના 9થી રાત્રીના 8 વાગ્યાની સમય મર્યાદા વધારીને સવારના 7થી રાત્રીના 10 વાગ્યા સુધી કરવાનો હંગામી ધોરણે નિર્ણય લેવામાં આવ્યો છે.
નવા ફેરફાર અનુસાર, હવેથી અમદાવાદમાં વધુ સમય મેટ્રો ટ્રેન દોડશે. હાલમાં સવારના 9 થી રાત્રીના 8 વાગ્યા સુધી મેટ્રો ટ્રેન ચાલે છે. પરંતું 30 મી જાન્યુઆરીથી મેટ્રો ટ્રેન સવારે 7 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી દોડાવવામાં આવશે. તેમજ મેટ્રો ટ્રેનની ફિક્વન્સી પણ દર 15 મિનિટની કરવામાં આવી છે. દર 15 મિનિટે મેટ્રો ટ્રેન મળી રહેશે.
ઉલ્લેખનીય છે કે, મેગા સિટી અમદાવાદમાં હવે ટ્રાફિકની સમસ્યા વધી રહી છે. આવામાં નોકરિયાત વર્ગ માટે મેટ્રોની સુવિધા ફાયદાકારક છે. મેટ્રોનો સમય વધારવામાં આવતા વહેલા ઓફિસ જનારા અને મોડી રાત સુધી ઓફિસમાં કામ કરનારા લોકોને ફાયદો થશે. વધુ લોકો મેટ્રોની સુવિધાનો લાભ ઉઠાવી શકશે.