અમદાવાદ : શિયાળુ ઠંડીને લઇને રાત્રીઓ સુમસામ બનવા લાગતા વાહન ચોરી તથા તસ્કરીની ઘટનાઓ વધવા લાગી છે. ત્યારે શહેરમાં 3 સ્થળો પર ચોરીની ઘટના સામે આવી છે.સોલા વિસ્તારમાં એક જ દિવસે બે મકાન સહિત વાડજ અને ઘાટલોડિયામાં બંધ મકાનના તાળાં તોડી તસ્કરો રૂ. 17.55 લાખની મતાની ચોરી કરી ફરાર થઈ હતા. આ ઘટનાઓ અંગે જે તે વિસ્તારની સ્થાનિક પોલીસે ગુનો નોંધી તસ્કરોને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ સોલાના ઉગતિ પ્લેટિનમ ફ્લેટમાં રહેતા નીતિનભાઈ પટેલનું મકાન બુધવારે બપોરે બંધ હતું ત્યારે કેટલાક શખ્સોએ મકાનનું તાળું તોડી, સોનાના દાગીના તથા રોકડ મળી કુલ રૂ.6.15 લાખની ચોરી કરી હતી, જ્યારે તેમના પાડોશી ઋષિક પટેલના મકાનનું તાળું તોડી સોનાના દાગીના, કેમેરા સહિત રૂ.3.20 લાખની મતાની ચોરી કરી હતી.
આ સાથે ઘાટલોડિયાના કે.કે.નગરમાં પરિવાર જમવા માટે બહાર ગયો ત્યારે તસ્કરો ઘરમાં ઘૂસીને અમેરિકી ડોલર અને સોનાના દાગીના સહિત રૂ.3.50 લાખની મતાની ચોરી કરી ફરાર થયા હતા. ચોથી ઘટનામાં વાડજના તુલસીશ્યામ ફ્લેટના બંધ મકાનનો દરવાજો તોડી તિજોરીમાંથી સોનાના દાગીના સહિત કુલ રૂ.4.70 લાખની મતા ચોરી ગયા હતા. આ ચારેય ઘટના અંગે પોલીસે ગુનો નોંધી તસ્કરોને પકડવાના ચક્રો ગતિમાન કર્યાં છે.