અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) બજેટ રજૂ કરતા પહેલા અમદાવાદના નાગરિકોના સૂચન મંગાવી રહ્યું છે. આગામી નાણાંકીય વર્ષ 2023-24ના બજેટ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના નાગરિકો પાસે સૂચન મંગાવવામાં આવ્યા છે. આજે અને આવતીકાલે એમ બે દિવસ નાગરિકો amcbudget2023@gmail.com પર સૂચન કરી શકે છે. કેવા પ્રકારની સુવિધા અને કઈ કઈ કામગીરીઓની અપેક્ષા રાખી રહી છે, તે કોર્પોરેશનને જણાવી શકે છે. તેના આધારે AMC પોતાનું બજેટ બનાવશે અને લોકો સમક્ષ રજૂ કરશે.
સૌ પ્રથમવાર AMC દ્વારા નાગરિકો પાસે નાણાંકીય વર્ષ 2023-24ના બજેટને લઈ સૂચન મંગાવવામાં આવી રહ્યા છે. બજેટમાં જનભાગીદારી કેળવવાના હેતુથી શહેરીજનો પાસે સૂચનો મંગાવવામાં આવ્યા છે જેમાં નાગરિકો પોતાનું નામ, મોબાઈલ નંબર, ઇમેલ આઇડી લખી પોતાના વોર્ડ વિસ્તાર કે શહેર માટે કઈ સુવિધાઓ અને કેવા પ્રકારની કામગીરી કોર્પોરેશન દ્વારા કરવામાં આવે તે જણાવી શકે છે.AMCનું આગામી વર્ષ 2023-24નું બજેટ રજૂ કરવામાં આવશે. જેની તૈયારીઓ કોર્પોરેશન દ્વારા શરૂ કરી દેવામાં આવી છે.