અમદાવાદ : એક તરફ અમદાવાદ પોલીસ સહીત ગુજરાત પોલીસ વ્યાજખોરો વિરુદ્ધ કડક કાર્યવાહી કરી રહી છે ત્યારે સામાન્ય જનતાને વ્યાજ ખોરીના વિષમાંથી બચાવવા માટે અમદાવાદ શહેર પોલીસ દ્વારા એક નવતર અભિગમ હાથ વધારવામાં આવ્યો છે. જેના ભાગરૂપ અમદાવાદ શહેર પોલીસ નાના-નાના સ્ટ્રીટ વેન્ડર અને ટ્રાફિક જંકશન પર નાના ટી સ્ટોલ કે ખાણીપીણીની દુકાન ચલાવતા લોકોને લોન અપાવવામાં સહાયરૂપ સાબિત થશે. નાના દુકાનદારો કે વેપારીઓ વ્યાજ ખોરોના જાળમાં ન ફસાય તે માટે પોલીસ અધિકૃત રીતે લોન અપાવશે.
અમદાવાદ શહેરના કુલ 48 જેટલા પોલીસ સ્ટેશન કાર્યરત છે જેમાં પ્રત્યેક પોલીસ સ્ટેશન દીઠ ત્રણ કાર્યક્રમ યોજવામાં આવશે. અમદાવાદ શહેર પોલીસ આગામી 28, 29 અને 30 જાન્યુઆરી સુધી ‘મે વી હેલ્પ’ નામનો કાર્યક્રમ લોન્ચ કરવા જઈ રહી છે. જેમાં વિવિધ રાષ્ટ્રીયકૃત અને સહકારી બેંક, કોર્પોરેશન સાથે મળીને તમામ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં કાર્યરત સ્ટ્રીટ વેન્ડરની મુલાકાત લેશે.રસપ્રદ બાબતે છે કે આ ખાસ પ્રોજેક્ટમાં ટ્રાફિક પોલીસ પણ વિવિધ મોટા જંકશન પર કાર્યરત ટી સ્ટોલ અને ખાણીપીણીના દુકાન ધારકોને મળીને વ્યાજખોરોની સામે જાગૃત કરી લોનની સમજ આપશે, અને તેમને સમજાવવા પ્રયાસ કરશે
સાથો સાથ શાહીબાગ પોલીસ હેડ ક્વાર્ટરમાં સાત ઝોન પ્રમાણે ડોમ ઉભા કરવામાં આવશે.જ્યાં લોકો તેમના ઝોન પ્રમાણે વ્યાજખોરને લગતી ફરિયાદ કરી શકશે.અમદાવાદ શહેરમાં વ્યાજખોરો સામે અત્યાર સુધી ૪૦થી વધારે ગુના નોંધવામાં આવ્યા છે.