અમદાવાદ : આજ રોજ જૂનિયર ક્લાર્કની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યુ હતું, પરંતુ તે પેપર પણ ફૂટી જવાને કારણે પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, સમગ્ર મામલામાં અત્યાર સુધી એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે આજે 9 લાખથી વધારે ઉમેદવારો આ પરીક્ષા આપવાના હતા.
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જાણકારી અપાઈ છે કે જૂનિયર ક્લાર્કની પરીક્ષાના પેપરનો કેટલોક ભાગ લીક થઈ ગયો હતો. સરકાર કોઈને છોડશે નહીં. પરીક્ષા ફરીથી લેવામાં આવશે. આજે પરીક્ષા લેવામાં આવે તો એ ખોટું થશે, એટલે પરીક્ષા મોકૂફ રખાઈ છે. જેને આ કૃત્ય કર્યું છે તેને 100 ટકા દંડ થશે. ગુજરાત એટીએસની અલગ અલગ ટીમો આ અલગ અલગ રાજ્યોમાં તપાસ કરવા માટે પહોંચી ગઈ છે. 10થી વધારે લોકોની અટકાયત કરી અને હાલમાં પૂછપરછ કરવામાં આવી રહી છે.
આજે 11 વાગ્યે આ પરીક્ષા થવાની હતી અને આ પ્રકારે પરીક્ષા મોકૂફ થવાને કારણે ઉમેદવારોમાં રોષ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ઘણાં ઉમેદવારો પરીક્ષા કેન્દ્ર પર જવા માટે નીકળ્યા હતા. અત્યારે ઠંડીનું પ્રમાણ પણ વધારે છે તેમજ ગુજરાતના અનેક વિસ્તારોમાં માવઠું પણ પડી રહ્યું છે, જેના કારણે ઉમેદવારોએ હાલાકીનો સામનો કરવો પડ્યો છે.