અમદાવાદ : અમદાવાદ મ્યુનિ.ના કચરાના ડમ્પરમાં થતી વિદેશી બનાવટના દારૂ અને બીયરની હેરાફેરી લોકલ ક્રાઇમ બ્રાંચ ઝોન-6ની ટીમે પકડી પાડી હેલ્થ ખાતાના સુપરવાઇઝર અને તેની સૂચનાથી દારૂ-બીયરનો જથ્થો લઈ જતા અન્ય ત્રણ આરોપી સહિત કુલ ચારની ધરપકડ કરી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ ક્રાઇમ બ્રાંચને બાતમી મળી હતી કે, AMCના હેલ્થ ખાતાનો સુપરવાઈઝર અનીસ અખ્તર સંધી કચરાના ડમ્પરમાં દારૂની હેરાફેરી કરાવી રહ્યો છે. બાતમીને આધારે પોલીસેે વોચ ગોઠવી હતી, જેમાં બોરડી મિલ પાસેથી પસાર થતા ડમ્પરને રોકી તપાસ કરતાં તેમાંથી વિદેશી દારૂ તથા બીયરનાં ટિન મળી 33 નંગ મળી આવ્યા હતા. આથી પોલીસે ડમ્પરમાં હાજર મુકેશ વાઘેલા (મણિનગર), સંજય ઠાકોર (કાંકરિયા), રોહિત નિશાદ (ઉત્તરપ્રદેશ)ની ધરપકડ કરી હતી. ત્રણેયની પૂછપરછ બાદ અનીસ સંધીની ધરપકડ કરી હતી.
આરોપીઓ પૈકી રોહિત નિશાદ નોર્થ રેલવેમાં કોન્ટ્રાક્ટ બેઝ પર સાફસફાઈનું કામ કરે છે અને દારૂનો જથ્થો પોતે ઉત્તરપ્રદેશમાં આગ્રાના દારૂના ઠેકા પરથી છૂટક લાવી ભેગો કરીને ગોમતીપુરમાં રહેતા અનીશ અખ્તર સંધીને પહોચાડવાનું કામ કરતો હતો.