અમદાવાદ : ગુજરાત સરકારને પેપર લીક મુદ્દે જેટલું સહન કરવું પડ્યું છે તેટલું લગભગ અન્ય કોઇ મુદ્દે સહન કરવાનું આવ્યું નથી. તેવામાં પેપરલીકના કારણે પરેશાન સરકાર હવે કડક કાયદો લાવવાની તૈયારી કરી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પેપરલીક કરનારાઓ વિરુદ્ધ હળવી કલમો હેઠળ કાર્યવાહી થતી હોવાના કારણે તેઓ ઝડપાયાના ગણતરીના દિવસોમાં છુટી ગયા બાદ ફરી એકવાર પોતાનો ધંધો ફરી એકવાર શરૂ કરી દેતા હોય છે.
પેપર લીક કાંડ મામલે ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટવાની ઘટનામાં ખબર પડતાની સાથે જ ગુજરાત ATSએ કામગીરી હાથ ધરી હતી અને શંકાસ્પદ 15 લોકોની ધરપકડ કરી લીધી હતી. કોઈની સાથે પણ અન્યાય ના થાય તે માટે પરીક્ષા રદ કરાઈ હતી. ત્રણ-ચાર મહિનાથી કાયદો બનાવવા તજવીજ ચાલુ છે. આ વિધાનસભામાં કાયદો પસાર કરવામાં આવશે. એટલું જ નહીં, જૂનિયર ક્લાર્કનું પેપર ફોડનાર આરોપીઓ વિરૂદ્ધ કડક કાર્યવાહીની કાયદામાં જોગવાઈ કરાશે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગુજરાત સરકારે હવે આવા કૌભાંડીઓ ફરી છુટી ન શકે ઉપરાંત જે લીક થયેલા પેપર ખરીદનાર વિદ્યાર્થીઓ પણ ભવિષ્યમાં કોઈ પણ પરીક્ષા ન આપી શકે એવો જડબેસલાક કાયદો લાવવાની તૈયારી શરૂ કરી દીધી છે. જેના કારણે પેપર વેચનાર તો કડક રીતે દંડાશે જ સાથે સાથે જે ખરીદનારા વિદ્યાર્થીઓ હશે તેને પણ આજીવન માટે બ્લેકલિસ્ટ કરી દેવામાં આવશે.
આ ઉપરાંત જે વ્યક્તિ પેપર લીક કરનાર દોષીત સાબિત થશે તેની સંપત્તિ પણ ટાંચમા લેવામાં આવે તેવા પ્રાવધાનો ઉમેરવામાં આવશે.સરકાર તમામ પ્રકારે ફુલપ્રુફ સિસ્ટમ બનાવવા માંગે છે જેના કારણે હાલ કાયદા પર કાયદાના નિષ્ણાંતો અને ઉચ્ચ અધિકારીઓ સમગ્ર પ્રક્રિયાનો ઝીણવટથી અભ્યાસ કરી રહ્યા છે. જેથી કોઇ પણ છટકબારી છુટી ન જાય અને જે વ્યક્તિ ગુનો કરે તે જેલના સળીયા સુધી પહોંચે.