અમદાવાદ : શહેરના SP રીંગ રોડ પર મોડી રાત સુધી ધમધમી રહેલા કાફે જાણે કે અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયા હોય તેવું લાગી રહ્યું છે. એસપી રીંગ રોડ શીલજ સર્કલ નજીક આવેલ બાપના બગીચામાં ગત મોડી રાત્રે ફાયરીંગનો બનાવ સામે આવ્યો છે.જોકે પોલીસે તાત્કાલિક સીસીટીવી ફૂટેજના આધારે મુખ્ય આરોપી સહિત 5ની ધરપકડ કરી લીધી છે. તે ઉપરાંત બોપલ પોલીસે ક્રોસ ફરિયાદ નોંધી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ ગત રાત્રીના સમયે મોડે લગભગ બે અઢી વગ્યાના અરસામાં ચારેક યુવાનો અહીં નાસ્તો કરવા માટે આવ્યા હતા. જોકે તેઓ નશાની હાલતમાં હોય તેવી શંકાને આધારે તેમને કાફેમાં આવતા રોકવામાં આવ્યા હતા. જેના કારણે સ્ટાફ સાથે માથાકુટ થઈ હતી. થોડા કલાકો બાદ વહેલી સવારે બે કારમાં અંદાજે દસેક લોકો અહીં આવી પહોંચ્યા અને ફાયરિંગ કરીને તોડફોડ કરી અને આગ લગાવી તોફાન મચાવ્યું હતું. જોકે તમામ ઘટનાના સીસીટીવી પણ સામે આવતા પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવી વધુ સંયોગીક પુરાવા એકત્ર કરી તપાસ શરૂ કરી હતી.
આ ઘટનામાં પોલીસને જાણકારી મળતા પોલીસ પણ સ્થળ પર દોડી ગઈ હતી. પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરતા મુખ્ય આરોપી સહિતના 5 શખ્સોની ધરપકડ કરી લીધી છે. આ મામલે સામ સામી ક્રોસ ફરિયાદ કરવામાં આવી છે. બોપલ પોલીસ દ્વારા આ મામલે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.