અમદાવાદ : આજે સમગ્ર વિશ્વમાં વિશ્વ કેન્સર દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે કેન્સરની સારવાર માટે જાણીતી સિવિલ મેડિસિટી હોસ્પિટલ ખાતે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ દ્વારા કેન્સરની સારવાર લઈ રહેલા કલ્પ નામના બાળકની ડોક્ટર બનવાની ઇચ્છા પૂર્ણ કરવામાં આવી હતી. 10 વર્ષીય કલ્પ યોગેશભાઈ પટેલ લોહીના કેન્સર લ્યુકેમિયાનો દર્દી છે.
અરવલ્લી જિલ્લાના મોડાસાના કલ્પ યોગેશભાઈ પટેલને લ્યુકેમિયા (લોહીનું કેન્સર) છે. 10 વર્ષના કલ્પના પરિવારને એક વરસ પહેલા જ ખ્યાલ આવ્યો કે તેમના લાડકવાયા એકના એક દીકરાને કેન્સર છે. મૂળે અરવલ્લી જિલ્લાના મોડાસાના કલ્પ પટેલની હાલ કિમોથેરાપીની સારવાર ચાલુ છે. આ પીડાદાયક પળોમાં રાજ્યના આરોગ્યમંત્રી “કલ્પ” માટે જાણે “કલ્પવૃક્ષ” બન્યા.
વિશ્વ કૅન્સર દિવસની ઉજવણી ખરા અર્થમાં સાર્થક કરવા રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે “મેક એ વિશ ફાઉન્ડેશન” અને ગુજરાત કૅન્સર રીસર્ચ ઇન્સ્ટીટ્યુટ(GCRI)ના માધ્યમથી લ્યુકેમિયાગ્રસ્ત કલ્પની ડૉક્ટર બનવાની અદ્મ્ય ઈચ્છાપૂર્તિ કરી. કલ્પની બાળપણથી જ ઈચ્છા હતી કે તે ડૉક્ટર બનીને ગરીબ દર્દીઓની સેવા કરે. કલ્પની આ ઈચ્છા વિશે આરોગ્ય મંત્રીને જાણ થતા તેઓએ કલ્પની ઇચ્છા પૂર્ણ કરીને તેનો મનોબળ અને જુસ્સો વધારવાનું નક્કી કર્યું.