અમદાવાદ : એસજી હાઈવે ન્યૂયોર્ક ટાવરની સામે આવેલ ડોન કા અડ્ડા પર યુવક બેઠો હતો, ત્યારે તેનો સાળો બે મિત્રો સાથે આવ્યો અને બનેવી સાથે ઝઘડો કરીને છરીના ઘા મારી ફરાર થઈ ગયા હતા. આ મામલે યુવકે તેના સાળા સહિત ત્રણ વિરુદ્ધમાં વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ઘટનાની વિગતો મુજબ, સેટેલાઈટ વિસ્તારમાં રહેતા જીગ્નેશ પટેલ નામના યુવકના લગ્ન રાજકોટની એક યુવતી સાથે થયા હતા. જોકે લગ્ન બાદ થોડા સમય પછી બંને વચ્ચે મનમેળ ન થતા બે વર્ષથી તેઓ અલગ રહે છે. ગત શનિવારે જીગ્નેશ એસ.જી હાઈવે પર આવેલા ‘ડોન કા અડ્ડા’ કાફેમાં બેઠો હતો. દરમિયાન એક કાર આવી જેમાંથી તેનો સાળો અજયસિંહ મિત્રો સાથે ઉતર્યો અને અપશબ્દો બોલવા લાગ્યો. જેથી જીગ્નેશ કાફેના ગેટ પાસે જઈ રહ્યા હતા. દરમિયાન ત્રણેયે તેમને ધમકી આપીને છરીના ઘા મારી દીધા.
આસપાસના લોકો ભેગા થઈ જતા ત્રણેય ધમકી આપીને ફરાર થઈ ગયા હતા. ઈજાગ્રસ્ત જિજ્ઞેશભાઈને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. તેમણે તેમના સાળા અજયસિંહ અને તેના બે મિત્રો ઉર્વિશ ઝાલા અને હર્ષીત સ્વામીના વિરુદ્ધમાં વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.