અમદાવાદ : અમદાવાદમાં વધતા હત્યાના બનાવો વચ્ચે વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે.વસ્ત્રાપુર તળાવ ગાર્ડનમાં સિકયુરિટી ગાર્ડ તરીકે કામ કરતા અને ગાર્ડનમાં જ આવેલ એક રૂમમાં રહેતા યુવકને પાવડાથી માર મારીને હત્યા નિપજાવી દેવામાં આવી છે. હત્યાના સીસીટીવી પણ સામે આવ્યા છે. વસ્ત્રાપુર પોલીસે હત્યાનો ગુનો નોંધી સીસીટીવી ફુટેજના આધારે તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ અમદાવાદના વસ્ત્રાપુર તળાવમાં રિટર્નિંગ દીવાલ બનાવવાનું કામ કોન્ટ્રાકટર દ્વારા ચાલી રહ્યું છે. જેમાં દિવસે મજૂરી અને રાતે સિકયુરિટી ગાર્ડ તરીકે 30 વર્ષીય લાલા સંગાડાની પાવડાના એક પછી એક ઘા મારીને આ સિકયુરિટી ગાર્ડને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો છે. હત્યાની આ ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઇ છે. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ હત્યાનો બનાવ બન્યો ત્યારે તળાવમાં લોકો ચાલી રહ્યા હતા. હત્યા કરનાર વ્યક્તિને કોઈને ડર ના હોય તેમ જાહેરમાં હત્યા કરી હતી. જ્યારે પાવડાના ઘા માર્યા ત્યારે ત્યાંથી ચાલતા 3 યુવકો આ જોઈને જ પાછા વળી ગયા હતા. આ એક માત્ર બનાવ જ નહીં પરંતુ અમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસમાં અનેક હત્યાના બનાવ સામે આવ્યા છે, તેનાથી અમદાવાદમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેવું લાગી રહ્યું છે.