અમદાવાદ : ગુજરાતમાં તાત્કાલિક અસરથી અમલમાં મુકાયેલ ડબલ જંત્રીથી રીયલ એસ્ટેટગ્રુપ અને બિલ્ડર ગ્રુપ નારાજ થયું છે. જે સંદર્ભે નેશનલ રીયલ એસ્ટેટ ડેવલમેન્ટ કાઉન્સિલે તાત્કાલિક એક મિટિંગ બોલાવીને મોટો નિર્ણય કર્યો અને આ શુક્રવારે દસ્તાવેજ કરવા સામે બિલ્ડર્સ ગ્રુપે પ્રતીક હડતાળ જાહેર કરી.
ગુજરાત નેશનલ રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ કાઉન્સીલ (નારેડકો)ના સભ્યો અને ગ્રાહકો વચ્ચે મંગળવારની બેઠકમાં ઉપસ્થિત બિલ્ડરોએ જણાવતા કહ્યું કે, જંત્રી વધની સીધી અસરથી રિયલ એસ્ટેટ બિઝનેસમાં મોટાપાયે મંદી આવશે. એફોર્ડેબલ હાઉસિંગ બનતા અટકશે. જેથી જંત્રીનો અમલ 90 દિવસ પછી વૈજ્ઞાનિક પદ્ધતિથી સરવે કરીને થવો જોઇએ અને જંત્રી વધે તો પરચેઝ એફએસઆઇમાં 50 ટકા રાહત મળવી જોઇએ.
એટલું જ નહીં પણ ગુજરાતના તમામ બિલ્ડરો આ શુક્રવારે નવી જંત્રી પ્રમાણેનો એક પણ દસ્તાવેજ આખા ગુજરાતમાં ક્યાંય નહિ કરે તેવો નિર્ણય કર્યો હતો. ડબલ જંત્રીને લઈને પ્રજા પર પાડનારા બોજ મુદ્દે સરકાર સામે બિલ્ડરો બાથ ભીડવા તૈયાર હોય એવા મૂડમાં દેખાયા.
સાથે સાથે શનિવાર અને રવિવારમાં સરકાર પુનઃ વિચાર કરે અને ઓછામાં ઓછા બે મહિના માટે નિર્ણય સ્થગિત કરે એવી માંગ કરી. જો બાદ માં પણ સરકાર યોગ્ય નિર્ણય ના કરે તો બિલ્ડર વતી સોમવારે 182 ધારાસભ્યો અને તમામ સાંસદોને બિલ્ડરો તરફથી આવેદન પત્ર પણ અપાશે.