અમદાવાદ : ગત શનિવારે ભલે મુખ્યમંત્રીએ જંત્રીના અમલમાં 15 એપ્રીલ મુદત વધારતા લોકોમાં એક પ્રકારનો ટુંકા ગાળાનો આનંદ છે પરંતુ 15 મી એપ્રીલ બાદ ડબલ જંત્રીનો અમલ થવાનો છે.આ ડબલ જંત્રી હાઉસીંગના રહીશો માટે રિડેવલપમેન્ટમાં વિલન સાબિત થશે એવું જાણકારો માની રહ્યા છે.
એક બાજુ લાખો હાઉસીંગ રહીશો જર્જરીત બાંધકામ હેઠળ જીવના જોખમે જીવન વિતાવી રહ્યા છે, રિડેવલપમેન્ટની માગણી કરી રહ્યા છે ત્યારે રિડેવલપમેન્ટમાં પાયાનો પ્રશ્ન એવા દસ્તાવેજમાં હજારો લોકો દસ્તાવેજ કરાવી શકયા નથી, ત્યારે નવી જંત્રી મુજબ કેટલા લોકો દસ્તાવેજ માટે આગળ આવશે અને રિડેવલપમેન્ટ કયારે થશે, એ સૌથી મોટો યક્ષપ્રશ્ન છે.
આ અગાઉ ચુંટણીને લઈને હાઉસીંગના રહીશો અને આગેવાનોએ હાઉસીંગ બોર્ડના કમિશ્રરથી લઈને મુખ્યમંત્રી સુધી રજુઆતો અને આવેદનો આપવામાં આવ્યા હતા.હાઉસીંગના પ્રશ્નો અને રિડેવલપમેન્ટને લઈને રોડ પર ઉતર્યા હતા.ચુંટણીને લઈને હાઉસીંગના આગેવાનોને વિશ્વાસમાં લઈને સત્તાધારી પક્ષના લોકોએ ચુંટણી બાદની કંઈક કરી છુટવાની આશા જગાવી હતી.
જેને પરિણામે હાઉસીંગના રહીશોએ સત્તાધારી પક્ષને ખોબલે ખાબલે વોટ આપી મતપેટી છલકાવી દીધી હતી.સ્થાનિક ઉમેદવારોને ભારે બહુમતીથી જીત અપાવી હતી.માત્ર રીડેવલપમેન્ટની આશાએ હાઉસીંગના રહીશોએ સત્તાધારી પક્ષને બધા રેકોર્ડ તોડી મત આપ્યા એનું પરિણામ એ આવ્યું કે ચૂંટણી પતી એટલે આ મુદ્દો માળીયે ચડાવી, જંત્રી ડબલ કરી નાંખી, જેથી હવે બિલ્ડરો રિડેલપમેન્ટ મુદ્દે પાછી પાની કરી રહ્યા છે.જંત્રીમાં દસ-વીસ ટકા જેવો વધારો કર્યો હોત તો આશા રાખી શકાતી હોત, પરંતુ સરકારની કોઈ મંશા દેખાતી નથી.
તાજેતરમાં નવાવાડજના હરિઓમ એપાર્ટમેન્ટ, શિવમ એપાર્ટમેન્ટમાં લગભગ ઓવરહેડ જર્જરીત પાણીની ટાંકીઓ ધરાશયી થવાની ઘટનાઓ નોંધાઈ છે.શિવમના રહીશોએ તો ચેતીને રિડેવલપમેન્ટની આશા છોડી નવી વૈકલ્પિક વ્યવસ્થા માટે સિન્ટેક્ષની ટાંકીઓ ધાબે લગાવી છે. કેટલાય રહીશોના બાળકોના સગાઈના પ્રશ્નો ઉપસ્થિત થયા છે.ખખડધજ હાઉસીંગ કોલોનીઓમાં કોઈ છોકરી આપતું ન હોવાથી લોકો હવે મન મનાવી બીજે રહેવા જવાની તૈયારીઓ કરી રહ્યા છે, કેટલાય તો વેચીને કે ભાડે આપીને સ્થાળાંતર કરી રહ્યા છે.ગુજરાતમાં સત્તાધારી ભાજપાની સરકારને ચૂંટણી જીતવા સિવાય હાઉસીંગના રહીશોના પ્રશ્નો હલ કરવામાં કોઈ રુચિ દેખાતી નથી એવું લાગી રહ્યું છે.