અમદાવાદ : અમદાવાદમાંથી પણ કૂતરાઓના હુમલાનો ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે. અમદાવાદમાં 2022માં કૂતરાએ બચકા ભર્યાના 58,668 કેસ નોંધાયા છે. 2021માં નોંધાયેલા આંકડા કરતા 7,457 કેસ વધારે છે. ત્યારે અમદાવાદીઓએ સાવધાન રહેવાની જરૂર છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રહેલા સૂત્રો પાસેથી પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર, 2020-21માં લોકડાઉનના કારણે અગાઉના વર્ષોની સરખામણીમાં કૂતરાઓએ બચકા ભર્યા હોવાના કેસ ઘટ્યા હતા. ડેટા પ્રમાણે, 2019માં અમદાવાદની હોસ્પિટલો અને અર્બન હેલ્થ સેન્ટરોમાં 65,881 ડોગ બાઈટના કેસ નોંધાયા હતા. 2020માં આ આંકડો ઘટીને 51,244 થયો હતો જ્યારે 2021માં 50,668 કેસ નોંધાયા હતા. “કૂતરાના બચકા ભરવાના કેસ તો વધ્યા જ હતા પરંતુ અગાઉના બે વર્ષોની સરખામણીમાં 2022 સામાન્ય વર્ષ ઘણી શકાય. જોકે 2022નો આંકડો 2019ની સરખામણીએ તો ઓછો જ છે”, તેમ AMCના એક અધિકારીએ જણાવ્યું.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, નવેમ્બરથી ફેબ્રુઆરી વચ્ચે શ્વાન દ્વારા કરડવાના સૌથી વધારે કેસ નોંધાય છે. કારણે કે તે સમય માદા શ્વાનના બચ્ચાઓને જન્મ આપવાની સિઝન આવે છે અને તેઓ પોતાના બચ્ચાના રક્ષણ માટે બચકાં ભરતી હોય છે.