અમદાવાદ : અમદાવાદનો એક આશાસ્પદ યુવક મુંબઈની IITમાં અભ્યાસ કરવા ગયો હતો. પરિવારને આશા હતી કે દિકરો ભણીગણીને સારી નોકરી મેળવશે. માતા-પિતાના ઘડપણની લાકડી બનશે, પરંતુ પરિવારનું આ સપનું રોળાઈ ગયું. જે યુવક પર આશાઓ અપાર હતી, તે યુવકે આપઘાત કરીને મોતને વ્હાલુ કર્યું છે. પરિવારનો લાડકવાયો હવે આ દુનિયામાં નથી, પરંતુ હવે તેના મોત બાદ અનેક સવાલ ઉઠી રહ્યા છે.
ફોટોમાં દેખાઈ રહેલા યુવકનું નામ દર્શન સોલંકી છે. માત્ર 18 વર્ષની ઉંમરના આ દર્શન સોલંકીનું ત્રણ મહિના પહેલા જ મુંબઈ IITમાં અભ્યાસ કરવા સિલેક્શન થયું હતું. જોકે 12 ફેબ્રુઆરીના રોજ પરિવારને તેના આત્મહત્યાના સમાચાર મળતા પગ નીચેથી જમીન ખસી ગઈ હતી.પરંતુ આ ત્રણ મહિનામાં એવું કઇક થયુ કે દર્શને મોતને વ્હાલું કરવું પડ્યું.
IIT મુંબઇમાં અમદાવાદના 18 વર્ષીય વિદ્યાર્થીના આપઘાતનો કેસ હવે એક મોટા વિવાદ તરફ આગળ વધી રહ્યો છે. એક તરફ વિદ્યાર્થીના મોત મામલે IIT મુંબઇએ હાથ ખંખેરવાનો પ્રયાસ કર્યો છે અને ઘટનાને સામાન્ય આપઘાતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો છે. તો બીજી તરફ અમદાવાદમાં રહેતા પરિજનોએ દર્શનના આપઘાત માટે જાતિ ભેદભાવને કારણભૂત ગણાવ્યો છે.
દર્શનનું મોત પરિવારજનો માટે કોઇ મોટા આઘાતથી કમ નથી. એક રિપોર્ટ મુજબ પરિવારજનો માની રહ્યા છે કે દર્શન આપઘાત કરે તેવો હતો જ નહીં. તેની હત્યા જ કરવામાં આવી છે, તો એક પિતાને પણ હવે પુત્રના વિરહની વેદના સહન કરવાની શક્તિ નથી રહી. તેઓ પણ કંઇક અજૂગતુ થયાનો આરોપ લગાવી રહ્યા છે.
મહત્વનું છે કે અભ્યાસમાં હોશિયાર યુવક દર્શન સોલંકીને એસ.સી હોવાના કારણે એડમિશન સરળતાથી મળી ગયું હતું અને અનેક લાભો મળતા તેના મિત્રો તેનાથી અણગમો વ્યવહાર કરતા હતા અગાઉ પણ આ વાત દર્શન સોલંકીએ ઉત્તરાયણ દરમ્યાન અમદાવાદ આવ્યો ત્યારે તેની બહેન જાનવી સાથે કરી હતી જેને પગલે પોલીસ હવે ન્યાયિક તપાસ કર્યો તો ખ્યાલ આવે કે આત્મહત્યા અંગે ખરેખર જવાબદાર કારણ શું હતું.