અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં ઇમ્પેક્ટ ફીનો કાયદો જાહેર કરવામા આવ્યો છે પરંતુ આ કાયદો અને ભૂતકાળના કાયદામાં અનેક વિસંગતતા હોવાથી આ કાયદાને અમદાવાદ સહિત અનેક જગ્યાએ મોળો પ્રતિસાદ મળી રહ્યો છે. જે અંતર્ગત 16 તારીખે ગુરુવારે અરજી કરવાની મુદત પૂર્ણ થઈ છે. ત્યારે 23 ફેબ્રુઆરીથી મળનારા વિધાનસભા સત્રમાં તેમાં વધારો કરવામાં આવશે. નાગરિકોને વધુ ત્રણથી છ મહિના માટે ઇમ્પેક્ટ ફીની અરજી કરવા માટે વધુ સમય અપાય તેવી સંભાવના છે. અમદાવાદ મહાનગરપાલિકાને 13,425 અરજી મળી છે. જેમાં 138 અરજીઓ ઓફલાઈન મળી છે, જ્યારે બાકીની અરજીઓ ઓનલાઇન મળી છે.
અમદાવાદ શહેરમાં આશરે બે લાખ કરતા પણ વધુ ગેરકાયદેસર બાંધકામો છે. તંત્રને માત્ર 13 હજાર જેટલી અરજી મળી છે. જે અમદાવાદ શહેરમાં કાયદાની નિષ્ફળતા દર્શાવે છે. ઇમ્પેક્ટ ફી અંતર્ગત મોટાપાયે અરજીઓ મળી છે, પણ માત્ર 100 અરજીઓનો નિકાલ થયો છે. અરજીઓનો નિકાલ ખૂબ ધીમી ગતિએ થઈ રહ્યો છે. એક તરફ કોર્પોરેશન ફટાફટ અરજી નિકાલની વાત કરે છે પરંતુ જે રીતે કામગીરી થઇ રહી છે તેને જોઇને અરજીઓનો નિકાલ થતાં લાંબો સમય રાહ જોવી પડશે.સરકાર મુદત વધારવા સાથે કેટલાક સુધારા જાહેર કરે તેમાં આ ફી ઓછી રખાય તેવી અપેક્ષા નાગરિકો રાખી રહ્યા છે.