અમદાવાદ : નારણપુરા ક્રોસીંગથી નારણપુરા ગામ સુધીના 1.5 કિલોમીટર સુધીના 80 ફૂટના રોડને 100 ફૂટનો કરવાના તંત્રના નિર્ણય બાદ સ્થાનિક રહીશો તંત્ર અને રાજકારણીઓ વચ્ચે પીસાઈ રહયા છે. સ્થાનિક ધારાસભ્ય જીતુ ભગતે નારણપુરામાં રોડ કપાતનો નિર્ણય હાલ પૂરતું બંધ રાખવાની જાહેરાત કરી છે. પરંતુ રહીશોની એક જ માંગ છે કે આનો કાયમી ધોરણે નિકાલ ન આવે ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે.
નારણપુરાના ધારાસભ્ય જીતુભાઈ પટેલે (ભગત) મિડીયાને સંબોધતા કહયુ હતું કે નારણપુરા ક્રોસીંગથી ટી.પી.રોડનુ અમલીકરણ કરવાનુ આયોજન વર્ષ-2002થી કરવામાં આવેલુ છે.લોકોની લાગણી અને માંગણીને ધ્યાનમાં રાખીને હાલ પુરતો આ નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો છે. બિલ્ડરોને લાભ કરાવવા રોડ કપાતનો નિર્ણય કરવામા આવ્યો હોવાની વાતો હીત ધરાવતા તત્વો દ્વારા કરવામાં આવી રહી છે.ભાજપ એ હંમેશા લોકોની સાથે રહેલી પાર્ટી હોવાથી કપાતનો નિર્ણય હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવ્યો છે.
નારણપુરા ટીપીની રોડ લાઈન દૂર કરવામાં આવે તેવી રહીશોના આગેવાનો માંગણી કરી રહ્યા છે. જે તે સમયે 2002માં ટીપીમાં અધિકારી દ્વારા આ રોડ લાઈન ખોટી રીતે કરવામાં આવી છે. ટ્રાફિકનો કોઈપણ પ્રકારનો સર્વે કર્યા વગર રોડની આગળ પાછળની કનેક્ટિવિટી જોયા વગર જ રોડ લાઈન મૂકી દેવામાં આવી છે. જ્યાં સુધી આગળ પાછળનો રોડ 80 ફૂટનો ન હોય ત્યાં સુધી રોડ લાઈન અમલ ના કરવી જોઈએ. જેથી આ અમારું આંદોલન ચાલુ જ રહેશે. અમે અમારા બેનરો ઉતારીશું નહીં. આનો અમારે કાયમી ધોરણે નિકાલ જોઈએ છીએ.