અમદાવાદ : અમદાવાદીઓએ હવે વાહન ચલાવતા સમયે ખાસ કાળજી રાખવાની જરૂર છે. શહેરમાં અગાઉ માત્ર ટ્રાફિકના 3 નિયમો તોડનારાને ઈ-મેમો આવતા હતા. હવે અમદાવાદ શહેરમાં વાહન ચાલકોને ટ્રાફિકના અલગ અલગ 16 જેટલા નિયમોનો ભંગ કરવા બદલ ઘરે ઈ-મેમો મોકલવામાં આવશે. આ માટે શહેરમાં 130 ટ્રાફિક સિગ્નલો પર 6500 જેટલા CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે.નોંધનીય છે કે અમદાવાદ પૂર્વમાં અગાઉ જે સિગ્નલ બંધ હતા તે પણ હવે શરૂ કરવામાં આવ્યા છે.
અમદાવાદમાં રિક્ષામાં નિયમ કરતા વધારે પેસેંજર હશે તો પણ ઈ-મેમો આવશે. વધુમાં વાત કરીએ તો રિક્ષામાં ડ્રાઈવર સીટ પર પેસેન્જર બેઠા હશે તો પણ ઈ-મેમો આવશે. BRTS કોરિડોરમાં વાહન ચલાવશો તો ઈ-મેમો આવશે. ફોર વ્હિલરમાં કાળા કાચ અથવા તો ડાર્ક ફિલ્મ લગાવેલી હશે તો ઈ-મેમો આવશે. ડ્રાઈવિંગ કરતી વખતે મોબાઈલ ફોન પર વાત કરતા હશો તો ઈ-મેમો આવશે.
આડેધડ પાર્કિંગ કરનારને ફટકારાશે ઈ-મેમો
આ ઉપરાંત જો વાહનોમાં HSRP સિવાયની નંબર પ્લેટ લગાવી હશે તો પણ ઈ-મેમો આવશે. 2 કરતા વધારે લોકો ટુ વ્હિલર પર સવાર હશે, ગતિ મર્યાદા નહીં હોય તો ઈ-મેમો આવશે. સાથે જ રોડ પર આડેધડ પાર્કિંગ અને નો-પાર્કિંગ ઝોનમાં કરનારા વાહનચાલકોને ઈ-મેમો ફટકારવામાં આવશે.
રોંગ સાઈડમાં વાહન ચલાવતા પકડાશો તો….
ચાલકે ફોર વ્હિલરમાં સીટ બેલ્ટ નહીં પહેર્યો હોય અને બાઈક ચાલકોએ હેલમેટ નહીં પહેર્યું હોય તો ઈ-મેમો આવશે. આ સાથે શહેરમાં નિયમ કરતા વધારે વાહનોની સ્પીડ હશે તો ઈ-મેમો આવશે. રોંગ સાઈડમાં વાહન ચલાવતા પકડાશો તો ઈ-મેમો આવશે.
મહત્વનું છે કે, જે લોકોએ વારંવાર ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે અને ઇ-મેમો ભર્યો નથી તેવા લોકોએ ચેતવાની જરૂર છે. અમદાવાદ પોલીસે આવા વાહનચાલકો વિરુદ્ધ તવાઈ બોલાવવાનું શરૂ કર્યું છે. પોલીસના એક અંદાજ મુજબ જે વાહનચાલક 20થી વધુ વખત ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતાં પકડાયા છે અને અનેક વખત ઈ-મેમો મોકલાવ્યા બાદ પણ તેમણે દંડ ભર્યો નથી. અમદાવાદ પોલીસે આવા લોકોની એક યાદી બનાવી આરટીઓ ઓફિસમાં મોકલી આપી છે. પોલીસના અંદાજ મુજબ અમુક વાહનચાલકોએ 111થી પણ વધુ વખત ટ્રાફિક નિયમ તોડ્યા છે. આવા વાહનચાલકો વિરુદ્ધ આરટીઓ લાઈસન્સ રદ કરવાની કાર્યવાહી કરશે.