Gujarati NewsDvb originalFrom Now On, Both Math And Science Subjects Will Be Taught In Medium, Is This Possible? Let Us Know From An Educator
2 કલાક પહેલાલેખક: યશપાલ બક્ષી
કેન્દ્ર સરકારની નવી શિક્ષણનીતિમાં દ્વિભાષા માધ્યમ વિશે ચોક્કસ ફોડ નથી પડાયો
જુન 2022થી સ્કૂલમાં નવું સત્ર શરૂ થશે. અત્યારથી એડમિશનની પ્રોસેસ શરૂ થઈ ગઈ છે. ભારત સરકારે 2022ની ન્યુ એજ્યુકેશન પોલિસી જાહેર કરી દીધી છે પણ આ પોલિસીમાં અસમંજસ બહુ છે. નવી શિક્ષણનીતિમાં એવું કહેવામાં આવ્યું છે કે હવે ગણિત અને વિજ્ઞાન બંને વિષયો ઈંગ્લિશમાં અને માતૃભાષામાં ભણાવવામાં આવશે. એટલે ગુજરાતમાં આ બંને વિષયો ગુજરાતીમાં પણ ભણવાના અને ઈંગ્લિશમાં પણ ભણવાના! ભારત સરકારના માનવ સંશાધન વિકાસ મંત્રાલય દ્વારા વર્ષ 2020માં નવી શિક્ષણનીતિ એટલે ન્યુ એજ્યુકેશન પોલિસી (NEP)ઘડવામાં આવી. એમાં અનેક જોગવાઈઓ છે. એમાં અમુક પોલિસીનો અમલ 2022થી કરવાનો છે તો અમુક જોગવાઈઓનો અમલ છેક 2035થી કરવાનો છે. પણ અહીંયા 2022થી જે પોલિસી અમલમાં આવવાની છે તેની વાત કરીએ.
આખી વાત શું છે ?ન્યુ એજ્યુકેશન પોલિસીમાં 4.11 ચેપ્ટરમાં એક વિષય છે ‘બહુભાષાવાદ અને ભાષાની ક્ષમતા’. એમાં એવું લખ્યું છે કે, બાળકોને ગણિત અને વિજ્ઞાન બંને વિષયો શરૂઆતથી જ બે ભાષામાં ભણાવવાના. એટલે ગુજરાતના સ્ટુડન્ટ્સે ગણિત અને વિજ્ઞાન ગુજરાતીમાં ભણવાના અને અંગ્રેજીમાં પણ. હવે અહીં મીડિયમની વાત આવીને ઊભી રહેશે. સવાલ એ છે કે, ઈંગ્લિશ મીડિયમમાં જે બાળક ભણે છે તે ગુજરાતીમાં આ વિષયો કેવી રીતે ભણી શકશે ? પેરેન્ટ્સ અને ટીચર્સ માટે પણ સવાલો આવીને ઊભા રહેશે. ઈંગ્લિશ મીડિયમના ટીચર ગુજરાતીમાં ભણાવી શકશે? કે ગુજરાતી મીડિયમમા ટીચર ઈંગ્લિશમાં ભણાવી શકશે? આ સવાલોના જવાબ પણ સ્પષ્ટ નથી કારણ કે દરેક સ્કૂલ આ માટે તૈયાર ન પણ હોય. હા, અમદાવાદની 30 સ્કૂલ અને સુરતની 29 સ્કૂલે આ માટેની તૈયારી બતાવી છે અને રાજ્ય સરકારના શિક્ષણ વિભાગમાં પોતાની શાળાનું રજીસ્ટ્રેશન કરાવી લીધું છે.સ્કૂલ કેવી રીતે દ્વિભાષામાં ભણાવી શકશે ?સ્કૂલે રાજ્ય સરકારને માત્ર લેખિત જાણ કરવાની અને રજીસ્ટ્રેશન કરાવવાનું કે, નવી પોલિસી મુજબ અમારી શાળામાં બાળકોને ગણિત અને વિજ્ઞાન વિષય બંને ભાષામાં ભણાવાશે. સ્કૂલ પાસે ટીચર્સની વ્યવસ્થા હોવી જોઈએ.પોલિસીમાં ચોક્કસ શબ્દો શું લખ્યાં છે ?”વિજ્ઞાન સહિત દરેક વિષયોના ઉચ્ચ ગુણવત્તાયુક્ત પાઠ્યપુસ્તકોને ઘરમાં બોલાતી ભાષા કે માતૃભાષામાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. બાળક દ્વારા બોલાતી ભાષા અને શિક્ષણના માધ્યમ વચ્ચે કોઈપણ અંતર હોય તો તેને સમાપ્ત કરવાના તમામ પ્રયાસો તાત્કાલિક ધોરણે કરવામાં આવશે.”
નવી શિક્ષણનીતિનું દ્વિભાષા ચેપ્ટરનું પૃષ્ઠ
બીજું વાક્ય લખ્યું છે કે, ”જ્યાં સુધી, શક્ય હોય ત્યાં સુધી ઓછામાં ઓછા ધોરણ ચાર સુધી પણ વધુ યોગ્ય તો ધોરણ આઠ સુધી શિક્ષણનું માધ્યમ ઘરની ભાષા/માતૃભાષા/સ્થાનિક ભાષા/પ્રાદેશિક ભાષા હશે. આ ધોરણો પછી પણ ઘર અથવા સ્થાનિક ભાષાને શક્ય હોય ત્યાં સુધી શાળામાં એક વિષય તરીકે શિખવવામાં આવશે. સરકારી અને ખાનગી શાળાઓએ આ સૂચનાનું પાલન કરવાનું રહેશે.” પોલિસીમાં લખેલા આ શબ્દો વાંચ્યા પછી શાળા સંચાલકોને સવાલ એ થાય કે, આમાં સૂચના કઈ છે? અને ‘જ્યાં સુધી’, ‘શક્ય હોય ત્યાં સુધી’ એવા શબ્દોમાં કોઈ વાત સ્પષ્ટ નથી થતી.
નવી શિક્ષણનીતિનું દ્વિભાષા ચેપ્ટરનું પૃષ્ઠ
પોલિસીમાં સ્પષ્ટ સમજણ નથી આપી : શિક્ષણવિદ્દશિક્ષણવિદ્દ ભદ્રાયુભાઈ વછરાજાનીએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં કહ્યું કે, નવી પોલિસીના દ્વિભાષા માધ્યમમાં અભ્યાસ અંગે કોઈ ક્લેરિટી નથી. એના કારણે અનેક સવાલો ઊભા થાય છે. શું ગુજરાતી મીડિયમના બાળકો ઈંગ્લિશમાં વિજ્ઞાનનો વિષય ભણશે તો ટર્મિનોલોજી ઈંગ્લિશમાં રાખવાની કે વિષય જ અલગ ભાષામાં ભણાવવાનો ? ગણિત અને વિજ્ઞાન બે જ વિષયમાં દ્વિભાષાનો અમલ કરવાનો કે દરેક વિષયમાં ? આ એજ્યુકેશન પોલિસી આખા દેશમાં લાગૂ પડે. હવે તમિલનાડુનું કોઈ બાળક ત્યાં માતૃભાષામાં ભણતું હોય અને ઈંગ્લિશમાં પણ ભણતું હોય. જો એના પરિવારની બદલી ગુજરાત થઈ તો એ બાળક અહીંયા કેવી રીતે ભણી શકે, તેનો કોઈ ઉલ્લેખ નથી. એટલે પોલિસીમાં કલ્પના તો ખૂબ કરવામાં આવી છે પણ પ્રેક્ટિકલી અમલ કેટલો શક્ય છે તે તો અમલ કર્યા પછી જ ખબર પડે.
માતા-પિતાએ અને બાળકોએ શું કરવાનું ?મોટાભાગના માતા-પિતા ઈંગ્લિશ મીડિયમમાં તેના બાળકને મોકલે છે અને બાળક પણ ઈંગ્લિશની સમજ સાથે મોટું થાય છે. એ મેથ્સ અને સાયન્સ જ બોલશે. એને ગણિત કે વિજ્ઞાન બોલતાં જ નથી આવડતું તો આવું બાળક કેવી રીતે બીજી ભાષામાં ભણી શકે. એનાથી ઉલટું, જે બાળકને ઈંગ્લિશ ભાષા ભારે ભરખમ લાગે છે, જેના ઘરમાં ગુજરાતી બોલાય છે, જે ગુજરાતી મીડિયમમાં ભણે છે તે ઈંગ્લિશમાં કેવી રીતે ભણી શકશે ? આ સવાલો મા-બાપ, બાળક અને ટીચર્સને પણ મુંઝવી રહ્યા છે. પણ એટલું નોંધી રાખો કે, પોલિસીનો અમલ કરવાનો છે પણ તાત્કાલિક નહીં. કારણ કે પોલિસીમાં કોઈ સ્પષ્ટતા નથી. ધીમે ધીમે સ્પષ્ટતા સામે આવતી જશે.-પણ આ પોલિસી તરત અમલમાં આવી જાય. કાલથી બંને ભાષામાં ભણાવવાનું, એવું નથી. આ લાંબા સમયનું આયોજન છે પણ અમલ આ વર્ષથી કરવાનો એ સાચું. દરેકની ડેડલાઈન પણ એજ્યુકેશન પોલિસીમાં છે. જેમ કે, દ્વિભાષી માધ્યમની જોગવાઈનો અમલ વર્ષ 2030 સુધીમાં પૂર્ણ કરવો. અમુક પોલિસી તો 2035 કે 2040માં પૂરી કરવાની જોગવાઈ છે.
અન્ય સમાચારો પણ છે…