અમદાવાદ : અમદાવાદમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. અમદાવાદના સોલા બ્રિજ પર બેકાબૂ બનેલી કારે એક્ટિવાચાલકને ટક્કર મારી હતી, જેમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત 20 વર્ષીય યુવક અને બે યુવતીને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયાં હતાં. જોકે સારવાર દરમિયાન બંને યુવતીનાં મોત નિપજ્યાં હતાં, જ્યારે યુવકને ગંભીર ઈજા પહોંચી હતી. એસજી હાઈવે પોલીસે ફરાર કાર ચાલક વિરુદ્ધમાં ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ ગાંધીનગરમાં રહેતા 20 વર્ષીય અભિષેક સિંગ આઈએલટીએસનો અભ્યાસ કરે છે. શનિવારે તેની મિત્ર મુસ્કાન દેસાઈ તથા અંજલિ પટેલને એક્ટિવા પર લઈ વસ્ત્રાપુરથી ગાંધીનગર જઈ રહ્યો હતો. તેઓ સોલા બ્રિજ પર પહોંચ્યા તે સમયે પાછળથી આવેલી કારે એક્ટિવાને ટક્કર મારી હતી, જેથી એક્ટિવા સ્લિપ થઈ હતી અને ત્રણેય પટકાઈ પડતા ગંભીર ઈજા પહોંચી હતી. આસપાસના લોકોએ ભેગા થઈને ત્રણેયને સારવાર માટે હોસ્પિટલ મોકલી આપ્યા હતા.
બીજી બાજુ કાર ચાલક નાસી ગયો હતો. જ્યારે સારવાર દરમિયાન ફરજ પરના ડોક્ટરે પહેલા અંજલિ પટેલ અને બાદમાં મુસ્કાન દેસાઈને મૃત જાહેર કરી હતી. અભિષેકને માથાના તથા ખભાના ભાગે ફ્રેક્ચર થયું હતું. આ મામલે ઈજાગ્રસ્ત અભિષેકે એસજી હાઈવે ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં અજાણ્યા કાર ચાલકની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.