અમદાવાદ : કાંકરિયાના કમલા નહેરુ પ્રાણીસંગ્રહાલયમાં એશિયાઈ સિંહનું મૃત્યુ થયું છે. છેલ્લાં 15 દિવસથી બિમાર સિંહ વૃદ્ધાવસ્થાને કારણે શારીરિક નબળાઈનો ભોગ બનતા તેની સઘન સારસંભાળ ચાલુ કરી હતી. ત્યારે અચાનક 27 ફેબ્રુઆરી 2023 રાતના 1.30 કલાકે કુદરતી મૃત્યુ થતા કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. એશિયાટીક સિંહનું બંધનાવસ્થામાં સરેરાશ આયુષ્ય 15થી 16 વર્ષનું હોય છે.
રિક્રીએશન, કલ્ચરલ એન્ડ હેરીટેઝ કમિટીના ચેરમેન રાજુભાઈ દવે એ માહિતી આપતા જણાવ્યું કે તા 27 ફ્રેબુઆરીની રાત્રે 1.30 કલાકે એશિયાટીક સિંહનું વૃદ્ધાવસ્થાના કારણે કુદરતી મૃત્યુ થયું હતું. ત્યારબાદ એશિયાટીક સિંહ અંબરના મૃત શરીરને પોસ્ટ મોર્ટમ કરવા માટે આણંદ વેટરીનરી કોલેજ ખાતે મોકલવામાં આવેલ હતું. આણંદ વેટરીનરી કોલેજના પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં જણાવ્યા મુજબ એશિયાટીક સિંહ અંબરનું મૃત્યુ વૃદ્ધાવસ્થાના કારણે થયેલું છે.
હાલમાં કાંકરિયા પ્રાણીસંગ્રહાલયમાં કુલ – 2006 વન્ય પ્રાણી પક્ષીઓ રાખવામાં આવેલા છે તેમાં એશિયાટીક સિંહ નર- 1 અને માદા- 2, વાઘ-નર-1 અને માદા -2, સફેદ વાઘણ-1, દિપડાઓ-4, એક જોડી હિપ્પોપોટેમસ, હાથણી-1, ઝરખ માદા-1 અને તથા 16 શિયાળ છે.