અમદાવાદ : 28મી ફેબ્રુઆરીના રોજ ‘રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે, જેને લઈને અમદાવાદના સાયન્સ સિટીમાં 28મી ફેબ્રુઆરીથી 4 માર્ચ વચ્ચે સાયન્સ કાર્નિવલનું આયોજન કરવામાં આવેલ છે. આ સાયન્સ કાર્નિવલ દરમિયાન દરરોજ અંદાજિત ૨૦ હજારથી વધુ વિધાર્થીઓ ભાગ લઈ શકે તેવી વ્યવસ્થાઓ કરવામાં આવી છે.
અમદાવાદ સાયન્સ સિટી ખાતે ૨૮ ફેબ્રુઆરી થી ૪ માર્ચ સુધી દરરોજ સવારે 10 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં સાયન્સ મેજિક શો, સાયન્સ શો, સાયન્સ ગેમ્સ, સાયન્સ ડિસ્કશન્સ, સાયન્ટિફિક એક્ઝિબિશન, સાયન્સ બુક ફેર, લાઇટ એન્ડ સાઉન્ડ શો તેમજ 3-ડી રંગોલી જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.આ સિવાય પાટણ, ભાવનગર, ભૂજ, રાજકોટમાં આવેલા રિજિનલ સાયન્સ સેન્ટરમાં સ્થાનિક સ્તર પર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. આ ઉપરાંત જિલ્લા સ્તરે 33 લોક વિજ્ઞાન કેન્દ્રો પર પણ કાર્યક્રમો યોજાશે.
સાયન્સ સિટીમાં એક્વેટિક ગેલેરી, રોબોટિક ગેલેરી અને નેચર પાર્ક મુલાકાતીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. અહીં આવતા મુલાકાતીઓને સમુદ્રી દુનિયાના યાદગાર અનુભવ માટે એક્વેરિયમ તૈયાર કરવામાં આવ્યું છે. અહીં ગેલેરીમાં ઈન્ડિયન ઝોન, એશિયન ઝોન, આફ્રિકન ઝોન, અમેરિકન ઝોન, ઓસિયન્સ ઓફ ધ વર્લ્ડ સહિતના 10 અલગ-અલગ ઝોનની જળચર સૃષ્ટિ દર્શાવવામાં આવી છે. દરિયાઈ દુનિયાના રોમાંચક અનુભવ માટે 5-ડી થિયેટર પણ છે.
સાયન્સ સિટીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર જે.બી.વદરના જણાવ્યું કે વર્ષ 2021માં 4,43,329 મુલાકાતીઓ, વર્ષ 2022માં 12,38,484 તેમજ 1 જાન્યુઆરી થી 26 ફેબ્રુઆરી 2023 સુધીમાં 3,16,787 મુલાકાતીઓએ સાયન્સ સિટીની મુલાકાત લીધી છે.