અમદાવાદ : અમદાવાદમાં ચેઇન સ્નેચિંગ બાદ હવે મોબાઇલ સ્નેચિંગની ઘટનાઓ વધી રહી છે.ધુમ સ્ટાઇલથી બાઇક લઇને ગઠીયાઓ આવશે અને ગણતરીની સેકન્ડમાં મોબાઇલ સ્નેચિંગ કરીને નાસી જશે જેવા અનેક કિસ્સાઓ જોવા મળે છે અને મોબાઈલ સ્નેચિંગ ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાઈ રહી છે. આ ઉપરાંત ભીડભાડવાળી જગ્યા ઉપર પણ ખિસ્સામાં મોબાઇલ ફોન મુક્યો હોય તો પણ સાચવવાની જરુર છે. કેમ કે, ચોર ટોળકી ભીડનો લાભ લઇને મોબાઇલની ચોરી કરીને નાસી જશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ શહેરના ચાંદખેડા અને અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં મોબાઇલ સ્નેચરો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ છે. એન્જિનિયરીંગ કોલેજમાં સુપ્રિટેન્ડેન્ટ તરીકે ફરજ બજાવતા અને ચાંદખેડામાં રહેતા દેવેન્દ્રભાઈએ થોડા દિવસ પહેલા જમીને નાઇટ વોક માટે નીકળ્યા હતા. તે દરમિયાનમાં બાઇક પર બે શખ્સો આવ્યા હતા અને તેમના હાથમાંથી મોબાઇલ ફોન ઝૂંટવીને લઇ ગયા હતા.
અમરાઇવાડી વિસ્તારમાં રહેતો અને જીઆઇડીસીમાં નોકરી કરતો સુરેશ ઠાકોર નામનો યુવક પણ થોડા દિવસ પહેલા ઇવનિંગ વોક માટે નીકળ્યો હતો ત્યારે તે પોતાના મિત્ર સાથે વાતચીત કરી રહ્યો હતો. તે સમયે બાઇક પર બે શખ્સો આવ્યા હતા અને સુરેશના હાથમાંથી મોબાઇલ ફોન ઝૂંટવીને નાસી ગયા હતા. બન્ને મોબાઇલ સ્નેચિંગની ઘટનામાં પોલીસે ગુનો દાખલ કરીને આરોપીને પકડી પાડવા માટે ચક્રોગતિમાન કર્યા છે.
ચોરીના મોબાઇલ ફોન અંતરયાળ ગામડા તેમજ અન્ય રાજ્યોમાં વેચી દેવાય છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ચોર અલગ-અલગ સમયે મોબાઇલ ફોનની ચોરી કરતા હોય છે. ચોર પાસે ચોરીના મોબાઇલનો સ્ટોક થઇ જાય ત્યારે તે ગુજરાતના અંતરયાળ ગામડા કે પછી નેપાળ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશમાં વેચી દેતા હોય છે. પોલીસ અનેક વખત મોબાઇલ ફોનની ચોરી કરતી ગેંગ ઝડપી પાડે છે અને સંખ્યાબંધ ફોન જપ્ત કરે છે.