અમદાવાદ : શહેરના ન્યૂ રાણીપ વિસ્તારમાં રહેતી એક યુવતીએ પોતાના સમાજના NRI યુવક સાથે લગ્ન કર્યા હતા.પતિએ તેને અમેરિકા લઈ જવાની તૈયારી પણ શરુ કરી દીધી હતી, પરંતુ લગ્ન બાદ આ યુવતીને પતિએ છૂપાવી રાખેલી પોતાના ભૂતકાળ વિશેની એક વાતની જાણ થઈ જતાં બંને વચ્ચે જોરદાર ઝઘડો થયો હતો, અને મામલો છૂટાછેડા સુધી પહોંચી ગયો હતો. હાલ તો ન્યૂ રાણીપની આ યુવતીને તેનો પતિ છોડીને ઘણા સમયથી અમેરિકા જતો રહ્યો છે. તેવામાં પતિ તેમજ સાસરિયાના ત્રાસનો ભોગ બનેલી આ યુવતીએ અમદાવાદ પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનમાં તેમની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
અમદાવાદના મહિલા વેસ્ટ પોલીસ સ્ટેશનમાં દાખલ પોલીસ ફરિયાદ મુજબ ન્યૂ રાણીપ વિસ્તારમાં રહેતી એક પરિણીતાએ ફરિયાદ કરી છે કે, ‘લગ્ન જીવનની શરૂઆતથી જ તેના પતિ અને સાસુ દરેક કામમાં કોઇને કોઇ વાંક કાઢીને નાની નાની બાબતોમાં સાસરિયા મેણાં ટોણાં મારતા હતાં. અવારનવાર કહેતા હતા કે તારે હંમેશા અમારો આભાર માનતા રહેવાનો કે, તને તારી હેસિયત કરતાં વધારે સારું શાહી ઠાઠ-માઠવાળું ઘર મળ્યું. તેમજ આવું હરવા ફરવા સાથે લક્ઝસ્યૂરીયઝ જીવન જીવવાનો મોકો મળ્યો, તો તારે અમારું અહેસાનમંદ રહેવું જોઇએ. તેના પતિ તેને ફરવા થાઈલેન્ડ લઇ ગયા હતાં, પરંતુ ત્યાં પણ પત્ની તરીકેનો કોઇ અધિકાર આપ્યો ના હતો.’
થાઈલેન્ડ ફરીને આવ્યા બાદ જુલાઈ 2022માં યુવતીનો NRI પતિ અમેરિકા જતો રહ્યો હતો, ત્યારબાદ યુવતીને ખબર પડી હતી કે તે તો પહેલાથી જ પરણેલો છે. પતિના અગાઉના લગ્નના ફોટોગ્રાફ યુવતીએ ખુદ પોતાની આંખે જોયા હતા. તેણે આ મામલે પતિ સાથે વાત કરવાની કોશીશ કરી તો તેણે તેને ધમકાવી હતી, અને સાથે જ એવી ધમકી પણ આપી હતી કે જો તેણે ફરી આ વાત કાઢી તો બંનેના ડિવોર્સ થઈ જશે, અને તેને અમેરિકા આવવા પણ નહીં મળે. બીજી તરફ, સાસરિયાનો ત્રાસ વધી જતાં આ યુવતીને પોતાના પિયર ચાલી જવાની નોબત આવી હતી. જોકે, ત્યારબાદ સમાજના આગેવાનોએ મધ્યસ્થી કરતા યુવતી ફરી નારણપુરા પોતાના સાસરે પાછી આવી હતી પરંતુ ત્યારબાદ પણ સાસુ-સસરાનો ત્રાસ ઓછો નહોતો થયો.
યુવતીએ ફરિયાદમાં એવો પણ આક્ષેપ કર્યો છે કે સાસરે પાછા ગયા બાદ તેના સાસુ-સસરા તેને માર મારતા હતા. અમેરિકા જવા બાબતે ઝઘડો થતાં સાસરિયાએ આખરે 15 ડિસેમ્બર 2022માં તેને ઘરમાંથી બહાર ધકેલી દીધી હતી. આટલું ઓછું હોય તેમ 19 ડિસેમ્બર 2022માં પતિએ તેને અમેરિકાથી છૂટાછેડાની નોટિસ મોકલાવી હતી. જોકે, યુવતીએ આ અંગે જ્યારે પતિ સાથે વાત કરવાની કોશીશ કરી તો તેણે ફોનનો જવાબ આપવાની તસ્દી પણ નહોતી લીધી. આ ઘટનાક્રમ બાદ યુવતી ડિપ્રેશનમાં સરી પડી હતી, અને આખરે પરિવારજનોએ હિંમત આપતા તેણે સાસરિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવવાનું નક્કી કર્યું હતું. અમદાવાદ પશ્ચિમ મહિલા પોલીસે આ મામલે ઘરેલુ હિંસા સહિતના ગુના હેઠળ NRI યુવક અને તેના માતા-પિતા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરીને આગળની તપાસ શરૂ કરી છે.