અમદાવાદ : અમદાવાદના નિર્ણયનગર વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ વિદ્યા સંકુલના સંચાલકોએ શાળા બંધ કરવાનો નિર્ણય લેતા વાલીઓએ હોબાળો મચાવ્યો હતો. શાળાનું સ્ટ્રક્ચર ભયજનક બનતા સંચાલકોએ વાલીઓને પોતાના બાળકોને અન્ય જગ્યા પર એડમિશન લેવા જણાવતા RTE હેઠળ પ્રવેશ મેળવનાર 150 બાળકોના વાલીઓએ શાળામાં હોબાળો મચાવ્યો હતો. વાલીઓ તેમની ફરિયાદ લઇને DEO કચેરી ગયા હતા. જ્યાં DEOએ એડમિશન માટેની બાંહેધરી આપી હતી.
નિર્ણયનગરની સ્વામિનારાયણ વિદ્યા સંકુલ સ્કૂલમાં ભણતા RTEના બાળકોના વાલીઓને સ્કૂલ દ્વારા ગઈકાલે ફોન કરીને સ્કૂલે મળવા આવવા જાણ કરવામાં આવી હતી. ત્યારે વાલીઓ સવારે સ્કૂલે પહોંચ્યા હતા. સ્કૂલ દ્વારા વાલીઓને સ્કૂલ બંધ કરવાની જાણ કરીને સહી કરવા જણાવ્યું હતું. જો કે વાલીઓએ સહી કરી નહોતી. વાલીઓએ આ અંગે સ્કૂલે પહોંચીને હોબાળો કર્યો હતો. વાલીઓએ આ અંગે DEO કચેરીએ પણ જાણ કરી હતી.
આ અંગે DEO રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, અમે બંનેની રજુઆત સાંભળી છે. સ્કૂલ દ્વારા બંધ કરવા અરજી આપી છે. સ્કૂલ બંધ થશે તો નજીકની ખાનગી સ્કૂલમાં બાળકોને એડમિશન આપવામાં આવશે. બાળકોને સરકારી નહીં ખાનગી સ્કૂલમાં જ અભ્યાસ કરાવવામાં આવશે.