અમદાવાદ : અમદાવાદના સિમ્સ હોસ્પિટલથી ઝાયડસ હોસ્પિટલ જવા માટે નવો ઓવરબ્રિજ પાસે BMW કાર ચાલકે પૂર ઝડપે ગાડી હંકારીને બ્રિજ પરથી દંપતીને ઉડાવી પોતાની ગાડીને પણ આગળ થોડે દૂર મૂકીને ઘટનાસ્થળેથી નાસી ગયો હતો. ઉલ્લેખનીય છે કે આ ગાડીમાંથી તપાસ કરતા દારૂની બોટલો, સત્યમ શર્મા નામના વ્યક્તિની પાસબુક મળી આવતા ચકચાર મચી ગઈ છે.તો અકસ્માત પહેલાં સ્પીડનો વીડિયો પણ બનાવ્યો હતો.આ ઘટના બાદથી માલેતુજાર પરિવાર રાતોરાત ગાયબ થઈ ગયો છે.
મીડિયા રિપોર્ટ મુજબ બુધવારે રાતે 9.45 વાગ્યાના સુમારે બી.આર.પાર્ક પાસે આવેલ ખુલ્લા પ્લોટમાં, સીમ્સ હોસ્પિટલ રોડ, સોલા વિસ્તારમાં યુવકે પોતાની કાર નંબર GJ-01-KV-1008 ની પુરઝડપે બેદરકારી તેમજ ગફલતભરી રીતે ચલાવી હતી. બી.આર.પાર્ક પાસે આવેલ ખુલ્લા પ્લોટમાં ચાલીને પસાર થતા તેણે અમીતભાઈ દેવકીનંદન સિંઘલ (ઉ.વ.૪૪ ધંધો વેપાર રહેવાસી) અને તેમના પત્ની સાહેદ મેઘાબેન (ઉ.વ.૪૦) ને ટક્કર મારી અકસ્માત કર્યો હતો. અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતને પગલે અમીતભાઈને જમણા પગે ઘુટીના ભાગે ફ્રેક્ચર થયું છે. તો સાહેદ મેઘાબેનને ડાબા પગે ઘુટણના ભાગે ફ્રેક્ચર થયું છે. તેમજ તેમના થાપાના ભાગે ઈજાઓ પહોચીં છે.
BMW કારની ટક્કરે આવેલુ દંપતી વૃક્ષને કારણે બચ્યુ હતું, નહિ તો તેમનો જીવ જઈ શક્યો હોત. કારે એકસાથે ચાર લોકોને અડફેટે લીધા હતા. એક પ્રત્યક્ષ દર્શીએ આ ઘટના વિશે કહ્યું કે, કારમાં બે લોકો હતા, કારચાલક 25 વર્ષીય ઉંમરનો હતો. ગઈ કાલે રાત્રે 9.30 વાગે ઘટના બની. દંપતીની સાથે હું પોતે પણ ફંગોળાયો હતો. મારા પગમાં સામાન્ય ઇજા થઇ છે. આવા નબીરાઓને કારણે માર્ગો પર ચાલવું પણ હવે જીવલેણ બન્યું.