અમદાવાદ : અમદાવાદના CTM ડબલ ડેકર ઓવરબ્રિજ પરથી મહિલાએ ઝંપલાવ્યું છે. એક જ મહિનામાં ઓવરબિજ પરથી પડતું મુકવાની આ ચોથી ઘટના સામે આવી છે. અજાણી મહિલાએ એક્સપ્રેસ હાઈવે જતા ડબલ ડેકર ઓવરબ્રિજ પરથી મોતની છલાંગ લગાવી હતી. મહિલાને 108ની મદદથી હોસ્પિટલ સારવાર માટે ખસેડાઈ છે. ઓવરબ્રિજ પરથી પડતું મુકવાની ઘટના ચિંતાજનક રીતે વધતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી છે.
આ અગાઉ લગભગ પંદરેક દિવસ અગાઉ અમદાવાદમાં સીટીએમ બ્રિજ પરથી 12 વર્ષનાં બાળકે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. સદનસીબે આસપાસના લોકોએ તેને બચાવી લીધો હતો. સ્થાનિક પોલીસે પણ ઘટના સ્થળે પહોંચીને બાળકને સમજાવ્યો હતો. આ બાળક કેમ આપઘાત કરવા માંગતો હતો તેનું કારણ સામે આવ્યું નથી.
આપને જણાવીએ કે, થોડા દિવસ પહેલા પણ એક યુવતીએ આ જ બ્રિજ પરથી પડતું મૂક્યું હતું. થોડા દિવસ પહેલા બપોરના 2:45 વાગ્યાની આસપાસ 108 એમ્બ્યુલન્સને જાણ થઈ હતી કે, કોઈ યુવતીએ સીટીએમ ઓવરબ્રિજ પરથી નીચે કૂદકો માર્યો છે અને આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. જેથી 108ની ટીમ તાત્કાલિક બનાવના સ્થળે પહોંચી હતી. ત્યારે યુવતીના માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી અને ખૂબ જ લોહી વહી રહ્યું હતું. જ્યારે એના બંને પગે ખૂબ ગંભીર ઇજા થતાં તેને સ્ટ્રેચરમાં મૂકવામાં આવી હતી. જોકે, તેની સ્થિતિ નાજુક લાગતા તેની તાત્કાલિક સારવાર કરી એલજી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.