અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જૂના બાકી ટેક્ષ ઉપર ચઢેલા વ્યાજની રકમ બાકી હોય તેવા લોકો માટે 21 વર્ષ બાદ “વન ટાઈમ સેટલમેન્ટ” જેવી યોજના જાહેર કરી છે. છતાં ટેક્સધારકો દ્વારા વર્ષોથી ટેક્સ ન ભરતાં કરોડોની બાકી રકમ વસુલવા માટે ટેક્સ વિભાગ દ્વારા શુક્રવારે મેગા સિલિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇતિહાસમાં ઐતિહાસિક સિલિંગ અને આવક થઈ છે.
શુક્રવારના રોજ એક જ દિવસમાં કોર્પોરેશન દ્વારા 21766 જેટલી મિલકતોને સીલ કરવામાં આવી છે અને રૂ. 21.18 કરોડની આવક થઈ છે. મેગા સિલિંગ ઝૂંબેશ અંતર્ગત સૌથી વધારે પૂર્વ ઝોનમાં 7803 જેટલી મિલકતોને સીલ કરવામાં આવી છે. આગામી દિવસોમાં પણ આ મેગા સિલિંગ ઝૂંબેશ યથાવત રહેશે તેમ રેવન્યુ કમિટીના ચેરમેન જૈનિક વકીલે જણાવ્યું હતું.