અમદાવાદ : હોળી અને ધુળેટીના તહેવાર સાથે કેટલીક ધાર્મિક અને સામાજિક માન્યતાઓ જોડાયેલી છે. ગોમતીપુર વિસ્તારમાં આવી જ માન્યતાઓ અને પ્રથાનો એક દાખલો પ્રકાશમાં આવ્યો છે. શહેરની પૂર્વમાં આવેલા ગોમતીપુરની પટવા શેરીમાં એક માજ્ઞ ભાભારાણાનું મંદિર આવેલું છે. આ મંદિર વર્ષમાં એકવાર માત્ર હોળી-ધુળેટીના સમયમાં ખૂલે છે. ત્યારબાદ એક વર્ષ સુધી આ મંદિરની અંદર કોઇ પ્રકારની પૂજા-અર્ચના પણ કરવામાં આવતી નથી.
પરંપરા મુજબ, ગોમતીપુરના યુવાનો હોળીના આગલા દિવસે તળાવમાંથી ચીકણી માટી લાવીને ભાભા રાણાની મૂર્તિ બનાવે છે. મૂર્તિ પર સુંદર શણગાર કરવામાં આવે છે અને હોળીનો આખો દિવસ તેની પૂજા કરવામાં આવે છે. હોળી અને ધુળેટીના દિવસે લોકો દૂરદૂરથી અહીંયા દર્શન કરવા આવી પહોંચે છે અને ધુળેટીના દિવસે ભાભા રાણાની શોભાયાત્રા પણ કાઢવામાં આવે છે.
લોકવાયકા પ્રમાણે, ભાભા રાણા સંતાન સુખ ના હોય એવા લોકોને મદદ કરતા હોવાની લોકવાયકા છે. લોકોને સંતાન સુખ ના હોય એમની મદદ કરતા હતા. એવી લોકવાયકા હોવાથી લોકો તેમની માનતા રાખે છે અને બાધા પૂર્ણ થયા બાદ તેમને પારણું બંધાવે છે. આ ઉપરાંત જેમના બાળકને શારીરિક ખોડખાપણ હોય તે પણ ચાંદીના પગ ચડાવે છે.