અમદાવાદ : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફી ટેસ્ટ સિરીઝની છેલ્લી મેચ આજે અમદાવાદના મોટેરા ખાતેના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઇ રહી છે. ટેસ્ટ સિરીઝની અંતિમ મેચમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલબેનીઝએ પણ હાજરી આપી છે. જેમાં બન્ને દેશના PMની હાજરીમાં ટૉસ થયો હતો. જેમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટને ટૉસ જીતીને પહેલા બેટિંગ લીધી છે.
મેચ પહેલા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈન્ડિયન ટીમના કેપ્ટન રોહિત શર્માને ટેસ્ટ કેપ સોંપી હતી. ત્યારે બીજી બાજુ ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન એન્થોનીએ સ્ટીવ સ્મિથને ટેસ્ટ કેપ સોંપી હતી. ત્યારપછી બંને દેશના વડાપ્રધાને પોતપોતાના ખેલાડીઓના હાથ ઉંચા કરી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની દોસ્તીની ઉજવણી કરી હતી. મીડિયા અહેવાલો પ્રમાણે વડાપ્રધાન મોદી અને ઓસ્ટ્રેલિયન PM એન્થોની અલ્બેનીઝ એક સાથે કોમેન્ટ્રી પણ કરી શકે છે.
મેચ જોવા માટે મોટી સંખ્યામાં લોકો આજે વહેલી સવારથી જ મોટેરા સ્ટેડિયમ ખાતે પહોંચ્યા છે. મેચ જોવા માટે લોકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો છે. માત્ર અમદાવાદના જ નહીં સુરત, ભાવનગર, રાજકોટ, વડોદરા, જામનગર, મહેસાણા, ગાંધીનગર સહિતના જિલ્લાઓમાંથી પણ મોટી સંખ્યામાં લોકો મેચ જોવા માટે આવ્યા છે. નાનાં બાળકો પણ મેચ જોવા માટે ઉત્સાહિત છે. રોહિત શર્માની ટી શર્ટ પહેરી ભારતનો ઉત્સાહ વધારવામાં આવી રહ્યો છે.
વિશ્વનું સૌથી મોટુ ક્રિકેટ સ્ટેડિયમ એટલે અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ. આમાં 1.32 લાખ દર્શકો બેસી શકે એટલી ક્ષમતા છે. આશા છે કે આ મેચ દરમિયાન એક જ દિવસમાં સૌથી વધુ દર્શકો આ ટેસ્ટ મેચ જોવા આવ્યા એ સંખ્યાનો વર્લ્ડ રેકોર્ડ બની શકે છે. અત્યારે આ રેકોર્ડ મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડના નામે છે. અહીં 2014માં એશિઝ સિરીઝ દરમિયાન 91,112 દર્શકો મેચ જોવા માટે આવ્યા હતા.